વડોદરા શહેરના વારસીયા રીંગરોડ ઉપર આવેલા સંજયનગરના ઝૂંપડાઓ દૂર કરાયા બાદ બેઘર બનેલા ઝૂંપડાવાસીઓને કોર્પોરેશન સમયસર ભાડૂ અને મકાન આપવામાં નિષ્ફળ રહેતા ઝૂંપડાવાસીઓએ આજે સંજયનગરની સાઇટ ઉપર ધસી જઇ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થતા ઓફિસમાં બેઠેલા કર્મચારીઓ બહાર દોડી આવતા લોકોએ તેઓને ધક્કે ચઢાવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે મામલો થાળે પાડવા માટે બળનો ઉપયોગ કરતા રોષે ભરાયેલા લોકોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કરતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
માહિતી પ્રમાણે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્લમ ફ્રી સીટી અંતર્ગત શહેરમાં આવેલી અનેક ઝૂપડપટ્ટીઓ માસિક ભાડુ અને નિર્ધારીત સમય મર્યાદામાં મકાન ફાળવી આપવાની શરતે ઝૂંપડાઓ દૂર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.થોડા સમય પહેલાં શહેરની મોટી એવી સંજયનગર ઝૂંપડપટ્ટીના રહીશોને માસિક રૂપિયા 2000 ભાડુ અને નિર્ધારીત સમયમર્યાદામાં મકાન આપવાની શરતે ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવી હતી. અને આ સ્થળે પી.પી.પી.ના ધોરણે આવાસો બનાવવા માટે કોર્પોરેશન દ્વારા સુરુચી ડીએમસી ઇન્ફ્રા. નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. સંજયનગરના ઝૂંપડાવાસીઓ દ્વારા અનેક વખત ભાડાની ઉઘરાણી કરવામાં આવી હતી. આથી કોર્પોરેશને તા. 5-2-018ના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં ભાડૂ ચૂકવી દેવાની ખાત્રી આપવામાં આવી હતી. ઝૂંપડાવાસીઓએ પથ્થરમારો કરતા જ ઓફિસમાં કામ કરી રહેલા કન્સ્ટ્રકશન કંપની કર્મચારીઓ ઓફિસ બહાર નીકળી આવ્યા હતા. ઓફિસના કર્મચારીઓ બહાર આવતા જ લોકોએ તેઓને ધક્કે ચઢાવ્યા હતા. અને રોષ વ્યક્ત ઠાલવ્યો હતો. ભાડાથી વંચિત બેઘર બનેલા સંજયનગરના ઝૂંપડાવાસીઓએ કોન્ટ્રાક્ટરની ઓફિસે પથ્થરમારો કર્યો હોવાની જાણ કોર્પોરેશનમાં થવા છતાં એકપણ અધિકારીએ સ્થળ ઉપર આવવાની હિંમત કરી ન હતી. પરિણામે ઝૂંપડાવાસીઓમાં વધુ રોષ ફાટી નીકળ્યો હતો. ભાડાથી વંચિત ઝૂંપડાવાસીઓએ જણાવ્યું હતું કે, જ્યારે ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા ત્યારે કોર્પોરેશન દ્વારા પ્રતિમાસ રૂપિયા 2000 ભાડૂ આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ, અનેક લોકોને 3 થી 10 માસ સુધીનું ભાડૂ આપવામાં આવ્યું નથી. એતો ઠીક મકાન માટે જે સમય મર્યાદા આપવામાં આવી હતી. તે સમય પણ પૂરો થઇ ગયો છે.