પીએમ મોદીએ પૂજ્ય બાપુના રેતશિલ્પને ચશ્મા દ્વારા અર્પી શ્રદ્ધાંજલિ

Webdunia
ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (14:10 IST)
પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજ્યંતિ ઉજવણીના ઉપલક્ષ્યમાં સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કેન્દ્રીય પેયજળ મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ ભારત પ્રદર્શનની વડાપ્રધાનએ મુલાકાત લઇને રસપૂર્વક નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદર્શનમાં ઓરિસ્સાના જાણિતા રેતશિલ્પ કલાકાર શ્રી સુદર્શન પટનાયક દ્વારા તૈયાર કરાયેલ પૂજ્ય બાપુના રેતશિલ્પને  ચશ્મા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી.
 
વડાપ્રધાનએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં  તેનો ઉલ્લેખ કર્યો હતો તેના નિવૃત્ત સરકારી કર્મચારી ચંદ્રકાન્ત કુલકર્ણી સાથે પણ ભાવપૂર્ણ મુલાકાત કરી હતી. કુલકર્ણીએ નિવૃત્તિ બાદ તેમના પેન્શનનો ત્રીજો હિસ્સો શૌચાલય બનાવવા માટે વર્ષોથી આપતા આવ્યા છે, તે માટે વડાપ્રધાન એમને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત વર્ચુઅલ હોડીમાં યાત્રા કરી દેશભરમાં થયેલા સ્વચ્છતાના કાર્યક્રમો નિહાળી સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કઇ રીતે થઇ શકે એના નિદર્શનની સ્લાઇડ નિહાળી હતી અને અલગ અલગ રાજ્યોએ સ્વચ્છતા માટે કયા-કયા પ્રકારની કામગીરી કરી છે તે અંગે વિગતવાર માહિતી આ પ્રદર્શનમાંથી મેળવી હતી.
 
આ પ્રદર્શનની મુલાકાત વેળાએ વડાપ્રધાન સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા. આ સમગ્ર પ્રદર્શનની મુલાકાત દરમિયાન ભારત સરકારના સ્વચ્છતા અને પેયજળ વિભાગના સચિવ પરમેશ્વરન ઐયરે સાથે રહી માહિતી આપી હતી.
 
સાબરમતી રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણીની ધ્યાનાકર્ષણ બાબતો
- સુવિખ્યાત કલાકારોએ ગાયકી અને નૃત્યથી પ્રેક્ષકોના દિલ જીત્યા
- ભજનાવલી અને નાટ્ય પ્રસ્તુતિ કાર્યક્રમના આકર્ષણનું કેન્દ્ર બન્યા
- દેશ-વિદેશના મહેમાનોએ માતાજીના ગરબાની પ્રસ્તુતિ નિહાળી
- ગાંધીજીને પ્રિય એવી ખાદી નિર્મિત 'સ્વચ્છ ભારત-શ્રેષ્ઠ ભારત' લોગોવાળી કોટીથી નાગરિકો સજ્જ થયા
- વડાપ્રધાનના આગમન પહેલા 'વૈષ્ણવ જન તો...' પ્રાર્થનાના ગાનથી મહેમાનો અભિભૂત
- કાગળના ગ્લાસમાં પાણીનું વિતરણ કરાયું : પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશાનું દ્રઢીકરણ
- એક ભારત-શ્રેષ્ઠ ભારત' વિષય પર વિવિધ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નૃત્યની રજૂઆત થઈ
- વિવિધ રાજ્યના આમંત્રિત સરપંચોને કાર્યક્રમની વ્યવસ્થા અને શિસ્ત ઉડીને આંખે વળગી
- વંદે માતરમ... સ્વચ્છ ભારત-શ્રેષ્ઠ ભારત... એક ભારત-શ્રેષ્ઠ ભારત... ના નારાથી સભાસ્થળ ગુંજી ઉઠ્યું
- રંગબેરંગી રોશનીથી રીવરફ્રન્ટ ઝળહળી ઊઠ્યો
- ફિલ્મી સિતારાઓ રમતવીરો દ્વારા સ્વચ્છતાની અપીલ કરતા વીડિયોની પ્રસ્તુતિ : 'સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ' થીમ સાથે સ્વચ્છ ભારત એન્થમની પ્રસ્તુતિ
- સ્વચ્છતાના ક્ષેત્રે ભારતમાં થયેલા કાર્યોને ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા સમજાવવામાં આવ્યા
- સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત અષ્ટકોણીય ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી
- પ્રથમ વખત રૂ.૧૫૦ નો સિક્કો બહાર પાડવામાં આવ્યો
- વડાપ્રધાનના હસ્તે સ્વચ્છતાના ક્ષેત્રે યોગદાન આપનાર સ્વચ્છાગ્રહીઓને પુરસ્કૃત કરાયા

સંબંધિત સમાચાર

Next Article