સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓ માટે રાજ્યમાં સરકારી ભરતી મિશન મોડ પર

Webdunia
મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (17:02 IST)
પંચાયત વિભાગ હસ્તકની વર્ગ-૩ની ૧૩હજારથી વધુ જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત
 
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓને સરકારી સેવાઓમાં રોજગારી મળી રહે તેવા મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ટીમે સરકારી ભરતી મિશન મોડ ઉપર શરૂ કરી દીધી છે. વિવિધ વિભાગો દ્વારા પોતાના વિભાગમાં ખાલી રહેલા મહેકમની યાદી તૈયાર કરીને તબક્કાવાર યુદ્ધના ધોરણે ભરતી કરવાની કવાયત તેજ કરી છે. જે અંતર્ગત વર્ષ 2023માં પંચાયત હસ્તકની વર્ગ-૩ની ૧૩,૦૬૮ જેટલી જગ્યાઓ સીધી ભરતીથી કરવાનું આયોજન કરી તેની જાહેરાત પણ કરવામાં આવી છે.  નોંધનીય છે કે, રાજ્યના ૨૪૮ તાલુકાઓમાં ૧૦૦% તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ ભરી દેવામાં આવી છે. 
 
પંચાયત વિભાગના ઈતિહાસમાં એકસાથે 13 હજારથી વધુ જગ્યાઓ પર સરકારી કાયમી ભરતી પ્રથમવાર જાહેર થઈ છે. તો બીજી તરફ જુદા-જુદા તાલુકાઓમાં આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-૧ની જગ્યાઓ પણ મંજુર કરવામાં આવી છે. રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારના વિકાસ તેમજ આ વિસ્તારમાં યોજનાઓના અસરકારક અમલીકરણ માટે આ જગ્યાઓ ભરવા માટે પંચાયત વિભાગ દ્વારા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-૧ની કુલ ૧૧ જગ્યાઓને તાલુકા વિકાસ અધિકારી, વર્ગ ૨નાં તરીકે ડાઉનગ્રેડ(તબદીલ) કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રાજ્યની ૩૩ જિલ્લા પંચાયતોમાં ચિટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી(જ.દ.) ની તમામ ૩૩ જગ્યાઓ ઉપર બઢતી આપી અધિકારીઓની નિમણૂંક કરાઈ છે.
 
આ ઉપરાંત પંચાયત વિભાગે કેટલાક મહત્વપૂર્ણ વહીવટી સુધારાઓ કરી વિભાગની કામગીરી પણ વધુ અસરકારક બનાવી છે. જે અંતર્ગત વિભાગની યોજનાઓ, સેવાઓ અને વિકાસના કામો, જિલ્લા પંચાયત હસ્તકના વાહનો, મકાનો, સંબંધિત કોર્ટ કેસો, વેરા વસુલાત તેમજ મહેકમ વિષયક તમામ બાબતોનો સંકલિત ડેટાબેઝ તૈયાર કરાવી તેનુ સઘન મોનીટરીંગ કરવામાં આવશે. જેનો માસિક અહેવાલ રજુ કરી ડેટાબેઝ સંબંધિત પોર્ટલ પર અપલોડ કરાશે. 
 
ચિટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.)એ આકસ્મિક નિરીક્ષણ ટીમ બનાવી જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ હસ્તકની તાલુકા પંચાયતની કચેરીઓ, ગ્રામ પંચાયતોનું આકસ્મિક નિરિક્ષણ કરાશે. આ ઉપરાંત ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.) દ્વારા મહિનામાં ઓછામાં ઓછી એક તાલુકા પંચાયત અને ઓછામાં ઓછી પાંચ ગ્રામ પંચાયતોનું આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article