દિલ્હીની નિઝામુદ્દીન મરકજમાંથી આવેલા તબલીગીઓ પૈકી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ જણાયા બાદ અત્યાર સુધીમાં કુલ 127 તબલીગીને શોધી કાઢવામાં આવ્યા છે ત્યારે નિઝામુદ્દીન સિવાયની મરકજ સાથે સંકળાયેલા એક સુરા ગ્રૂપને પણ પોલીસે અમદાવાદમાંથી શોધી કાઢ્યું છે અને તમામની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, નિઝામુદ્દીન મરકજ સિવાયની મરકજ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ થઈ રહી છે. અમદાવાદમાંથી મળી આવેલા સુરા ગ્રૂપના સભ્યો પૈકી કેટલાક ઇન્દોરથી આવેલા છે જ્યારે કેટલાક લોકો નિઝામુદ્દીન મરકજના તબલીગીઓના સંપર્કમાં આવ્યા હોવાનું જણાય છે. આ તમામના મેડિકલ ચેકઅપ થઈ રહ્યા છે. તેમના સંપર્કની વિગતો પણ લેવામાં આવી રહી છે. આ ગ્રૂપના મોટા ભાગના સભ્યો અહીં જ કામ કરે છે, પરંતુ તેઓ કોઈના કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવી સંભાવનાને પગલે તપાસ થઈ રહી છે. શાહીબાગના સુમિત પાર્કમાં રહેતા અને ડોક્ટર તરીકે ફરજ બજાવતા હર્ષદકુમાર પટેલને કોરોનાગ્રસ્ત લોકોનું ધ્યાન રાખવા માટે મ્યુનિ.એ તેમને પૂર્વ ઝોન ફાળવ્યો હતો. મંગળવારે તે તેમની ફરજ પર હાજર હતા ત્યારે ક્વોરન્ટાઇન કરેલા જીવાઉલ રહેમાન હસન તેમણે દિલ્લી નિઝામુદીન મકરજ ખાતે યોજાયેલ તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હોવાથી તેમના ઘર નિકોલ ખાતે 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવાનું જણાવ્યા હોવા છતાં પણ તે તેમના ઘરમાંથી બહાર આવીને ફ્લેટના કંપાઉન્ડમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા. દરમિયાન ત્યાં હાજર મેડિકલ સ્ટાફ તથા પોલીસ જવાનોએ તેમને રોકીને હર્ષદકુમારને જાણ કરતા હર્ષદકુમારે નિકોલ પોલીસ સ્ટેશનમાં જીવાઉલ રહેમાન હસનના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.