ગુજરાતનો ગ્રોથ રેટ 14% જ્યારે જાહેર દેવું 2.17 લાખ કરોડને પાર

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (13:13 IST)
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂ કરેલા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં નોટબંધી, જીએસટી પછી પણ નાણાકીય સ્થિતિના ફુલગુલાબી ચિત્રને રજૂ કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળની સરકારના બીજા અને વિધાનસભાની ચૂંટણી પછીના પ્રથમ બજેટમાં નીતિનભાઇએ દાવો કર્યો છે કે, ઉત્તમ નાણાકીય વ્યવસ્થાપન અને લોન ઉપરનો મદાર ઘટાડવાના પરિણામે વર્ષ ૨૦૧૬-૧૭ની રાજકોષીય ખાધ ફક્ત ૧.૪૨ ટકા રહી છે. જે અત્યાર સુધીની સૌથી ઓછી છે. જ્યારે રાજ્યનો વૃદ્ધિ દર માર્ચ ૨૦૧૮ના અંતે અંદાજે ૧૪ ટકા રહેવાની ધારણા છે.

ગત વર્ષોમાં રાજવિત્તીય જવાબદારી અધિનિયમના તમામ પરિમાણોનું અનુપાલન કર્યું છે તેમ કહી તેમણે ઉમેર્યું કે, ગુજરાતનો દેખાવ ઉત્તરોત્તર સુધરતો રહ્યો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં રાજ્યની મહેસૂલી પૂરાંત રૂ.૧૭૦૪ કરોડ હતી, તે વધીને વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ.૫૯૪૭ કરોડ રહેવા પામી છે. જેનો ઉપયોગ વિકાસલક્ષી મૂડી ખર્મચાં કરાયો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં રાજકોષીય ખાધ ઘરગથ્થુ ઉત્પાદનના ૨.૨૪ ટકા હતી, તે ઘટીને ૧.૪૨ ટકા થઇ છે. તેના પરથી ફલિત થાય છે કે રાજ્યની આવકમાં વધારો થયો છે. જેના કારણે વિકાસ માટે બહારથી નાણાં ઊભા કરવા પડતા હતા એ ઓછાં પ્રમાણમાં ઊભાં કરવા પડે છે. જોકે, રાજવિત્તિય જવાબદારી અધિનિયમનના સત્તાવાર રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૦૪-૦૫ના આધાર વર્ષ મુજબ વર્ષ ૨૦૦૪-૦૫થી ૨૦૧૦-૧૧ના છ વર્ષમાં રાજ્યના અર્થતંત્રનો વૃદ્ધિ દર ૧૬.૯૯ ટકાનો અને આધાર વર્ષ ૨૦૧૧-૧૨ના વર્ષ મુજબ વર્ષ ૨૦૧૧થી વર્ષ ૨૦૧૭-૧૮ના સાત વર્ષનો વાર્ષિક વૃદ્ધિ દર ૧૩.૫૬ ટકા નોંધાયો છે.  આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, વર્ષ ૨૦૧૬-૧૭માં રાજવિત્તીય ખાધ (ફિસકલ ડેફિસિટ) ૧.૪૨ ટકા જેટલી છે. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮ના સુધારેલા અંદાજમાં આ ખાધ રૂ.૨૧૯૪૮ કરોડ અંદાજાઇ છે જે જીએસડીપીના ૧.૬૬ ટકા થશે. જોકે, આ જીએસડીપીના ૩ ટકાની મર્યાદાની અંદર છે. વર્ષ ૨૦૧૭-૧૮ના સુધારેલા અંદાજો મુજબ જોઇએ તો કુલ મહેસૂલી આવક રૂ.૧,૩૧,૫૫૧ કરોડ એટલે કે સરેરાશ ૧૯.૭૬ ટકાના દરે વધી છે. જેમાં કરવેરાની આવક રૂ.૭૭,૯૬૭ કરોડ અને બીન કરની આવક રૂ.૧૬૯૯૫ કરોડ છે. જ્યારે કેન્દ્રીય કરવેરામાં હિસ્સો રૂ.૨૦,૭૮૨ કરોડ તથા ગ્રાન્ટ રૂ.૧૫૮૦૬ કરોડ છે. માર્ચ ૨૦૧૮ના રોજ રાજ્યનું જાહેર દેવું રૂ.૨,૧૭,૩૩૭ કરોડ થવાનો અંદાજ મુકાયો છે. જે જીએસડીપીના ૧૬.૪૬ ટકા થાય છે. જાહેર દેવું વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૨.૩૮ લાખ કરોડ સુધી પહોંચવાની શક્યતા આ રિપોર્ટમાં મુકવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article