ચૂંટણી જાહેર થયા પછી ગુજરાતમાં 8,489 કેસ કરીને 6, 763 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી

Webdunia
શુક્રવાર, 22 માર્ચ 2019 (14:14 IST)
મુખ્ય નિર્વાચન અધિકારી, ડૉ એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, ચૂટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ, પક્ષના કાર્યકર, ઉમેદવાર અંગે રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તપાસ દરમિયાન, ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર અથવા ચૂંટણી સંબંધિત સામગ્રી, પોસ્ટર્સ સાથેના કોઈ વાહનમાં રૂ. ૫૦ હજાર થી વધુ રોકડ મળી આવશે અથવા આ વાહનમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂ.૧૦ હજાર થી વધુ કિંમતની એવી ભેટ-સોગાદો મળી આવશે કે જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ  લઈ જવાતી જણાશે તો, તે જપ્તીને પાત્ર રહેશે.”આ તપાસ અને જપ્તીની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો/સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વીડિયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.આ ઉપરાંત કોઈ સ્ટાર પ્રચારક ખાસ તેમના વ્યક્તિગત  ઉપયોગ માટે રૂ.૧ લાખ સુધીની રોકડ રકમ લઈ જતા હોય અથવા પક્ષનો કોઈ કાર્યકર રોકડ રકમ સાથે, તેનો ઉપયોગ કેવી રીતે થવાનો છે તેની વિગતો દર્શાવતું પક્ષના ખજાનચીનું પ્રમાણપત્ર સાથે લઈ જતા હોય તો સ્થાયી દેખરેખ ટુકડી (SST)ના અધિકારી પ્રમાણપત્રની નકલ પોતાની પાસે રાખી લેશે અને રોકડ જપ્ત કરશે નહી, તેમ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું. જો કોઈ વાહનમાં રૂપિયા ૧૦ લાખથી વધુ રોકડ રકમ મળે અને કોઈ ગુનો બનવાની શંકા ન હોય અથવા કોઈ ઉમેદવાર કે એજન્ટ કે પક્ષના કાર્યકર સંકળાયેલ ન હોય તો, સ્થાયી દેખરેખ ટુકડી (SST) રોકડ જપ્ત કરશે નહી અને આવકવેરા સંબંધી કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવા માટે એ માહિતી આવકવેરા સત્તાધિકારીને મોકલી આપશે.મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ એસ. મુરલી ક્રિષ્ણાએ કહ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આચાર સંહિતા ચૂંટણી જાહેરાતથી જ અમલમાં આવી છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ચૂંટણીની જાહેરાતની તારીખથી જિલ્લા કક્ષાએ ખર્ચની વિવિધ ટીમ વચ્ચે સંકલન માટે ખર્ચ નિયંત્રણ સેલ કાર્યરત કરાયા છે. ખર્ચની ટીમ પૈકી, ૫૬૩ ફ્લાઈંગ સ્ક્વોડ, ૩૭૮ વિડીયો સર્વેલન્સ ટીમ, ૨૦૭ વિડીયો વ્યુઈંગ ટીમ, ૨૬ એકાઉંટીંગ ટીમ કાર્યરત કરાઈ છે. આ ઉપરાંત, ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા ૪૦૦ થી વધુ અધિકારીઓની નિમણૂક કરી છે. ખર્ચ નિયંત્રણ માટે રાજય કક્ષાના નોડલ અધિકારીશ્રીઓ પણ નિમાયા છે. પંચ દ્વારા ટુંક સમયમાં ખર્ચ નિરીક્ષકની નિમણુંક થનાર છે. ચૂંટણીની અધિસૂચના થયેથી ૬૩૯ સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ૨૦૮ જેટલા મદદનીશ ખર્ચ નિરીક્ષક કામગીરી શરૂ કરશે. ફ્લાઈંગ સ્ક્વોડના વાહનો જિલ્લા કક્ષાએ મોનીટર કરવા તેમા જી.પી.એસ. ફીટ કરવા સર્વે કલેક્ટરને સૂચના અપાઈ છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે 22,358 બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે 51, 323 વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે.રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ 6,850 ગુજરાત એક્ટ હેઠળ 405 અને પાસા એક્ટ અંતર્ગત 209 કેસ કરવામાં આવ્યા છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં પોલીસ તંત્ર દ્વારા પાડવામાં આવેલા દરોડામાં આશરે રૂ 3.23 કરોડ કરોડની કિંમતનો કુલ 1.11 લાખ લાખ લિટર દારૂ જપ્ત કરાયેલો છે. તેમજ રૂ. 5.17 કરોડથી વધુ કિંમતનો વાહન સહિતનો મુદ્દામાલ પણ પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરાયો છે. આ અંતર્ગત 8,489 કેસ કરીને 6, 763 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article