અમદાવાદ ડ્રગ્સ કેસમાં મોટા બિલ્ડરો-અધિકારીઓના 30 નબીરાના નામ, દુબઈ ભાગી ગયા હોવાની આશંકા

Webdunia
બુધવાર, 1 ડિસેમ્બર 2021 (16:18 IST)
ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાતમાં યુવાધન ડ્રગ્સનાં રવાડે ચડી રહ્યું છે. અમદાવાદ જેવા મહાનગરો હોય કે પછી દરિયાકિનારાના જિલ્લાઓ એક બાદ એક કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે અમદાવાદનાં બોપલ વિસ્તારમાં ડ્રગ્સ કાંડમાં મોટા માથાઓ સામેલ હોવાની માહિતી સામે આવતા ખળભળાટ મચ્યો છે. વંદિત પટેલે જે નામનાં ખુલાસા કર્યા છે તેમાં અમદાવાદના મોટા મોટા માલેતુજારુઓના દીકરાઓ હોવાનું સામે આવ્યું છે.

આરોપી વંદિત પટેલે સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે કે છેલ્લા બે જ વર્ષ તેણે 100 કિલો ડ્રગ્સ તો બહારથી મંગાવ્યું હતું. આ બધુ ડ્રગ્સથી અમીરોના દીકરાઓ નશાના રવાડે ચડયા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 30 જેટલા હાઇપ્રોફાઇલ નબીરાઓના નામ ખૂલ્યા છે. જે નબીરાઓના નામ ખૂલ્યા છે તેમાં અમદાવાદના મોટા બિલ્ડરો, ટોપ અધિકારીઓ અને બિઝનેસમેનનાં દીકરા-દીકરીઓ હોવાનું સામે આવ્યું છે. વંદિત પટેલની ધરપકડનાં સમાચાર સાંભળીને જ આ પૈસાદાર નબીરાઓ દુબઈ ભાગી ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ નબીરાઓ લગ્ન અને ફરવાના બહાને દુબઈ નીકળી ગયા છે જેથી પોલીસની પકડથી દૂર રહી શકે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી હાઇ પ્રોફાઇલ પાર્ટીઓનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે અને મોટા બિઝનેસમેન અને અધિકારીઓના દીકરા દીકરીઓ દ્વારા પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. એવામાં છેલ્લા બે વર્ષથી 100 કિલો ડ્રગ્સ મંગાવતો વંદિત પટેલ આટલા સમય સુધી પોલીસની નજરથી દૂર કઈ રીતે રહ્યો તે મોટો સવાલ બને છે. રસ્તા પર હેલમેટ પહેર્યા વગર નીકળેલા વાહનચાલકને ગણતરીના દિવસોમાં મેમો ઘરે મોકલતી પોલીસનાં નાક નીચે બે વર્ષથી આ કાળો કારોબાર કઈ રીતે ચાલી રહ્યો હતો? અને વંદિત પટેલ કયા રસ્તાથી કઈ રીતે ડ્રગ્સ અમદાવાદ મંગાવતો હતો તે પણ એક મોટો સવાલ છે. અમદાવાદના બોપલમાં હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કાંડમાં આરોપી વંદિત પટેલે ગઇકાલે જ કેટલાક નવા નામોનાં ખુલાસા કર્યા હતા. સાથે સાથે સફેદ ડ્રગ્સનો કાળો ધંધો કરતાં સાત જેટલા પેડલરનાં નામ પણ જાહેર ક્રયાહ હતા. પોલીસ અત્યારે આ પેડલરને પકડવા માટે દોડાદોડ કરી રહી છે અને કુલ ચાર ટીમો બનાવવામાં આવી છે. જોકે આ તમામ પેડલર ભૂગર્ભમાં હોવાની માહિતી સામે આવી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article