મોડાસામાં ખનીજ માફિયાઓએ અધિકારીઓ પર વોચ રાખવા GPS ટ્રેકરનો ઉપયોગ કર્યો

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (16:44 IST)
ખનીજ માફીયાઓ દ્વારા હવે અધિકારીઓ પર વોચ રાખવાનુ સામે આવ્યુ છે. મોડાસામાં આવેલ જિલ્લા ખાણ ખનિજ અધિકારીની સરકારી ગાડીમાં ડિજીટલ ઉપકરણ લગાવીને વોચ રાખવામા આવી રહી હોવાનુ ખૂલ્યુ હતુ. આ મામલે હવે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને વોચ રાખનારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.  મોડાસા શહેર પોલીસ મથકે ખાણ ખનિજ વિભાગ દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈ હવે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.સામે આાવેલી ઘટનાને લઈ હવે મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ સાબરકાંઠા જિલ્લામાં આવી ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી.  આ ઉપરાંત માણસો પગારદાર રાખીને બાઈક અને કારથી સતત ટ્રેકિંગ કરવામાં આવી રહ્યુ હતુ. જેમાં એક આઈપીએસ અધિકારીનુ પણ પિછો કરી લોકેશન ટ્રેકિંગ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.ગત સપ્તાહે જિલ્લા ખાણ ખનિજ વિભાગના મોડાસાના માઈન્સ સુપરવાઈઝર નિલેશ પટેલ અને તેમની ટીમ ચેકિંગ માટે નિકળી હતી. પરંતુ તપાસ દરમિયાન પોતાની કામગીરીને લગતી કોઈ જ કાર્યવાહી થઈ રહી નહોતી. વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવા દરમિયાન કોઈ જ કાર્યવાહી નહીં થઈ રહી હોવાથી અધિકારી અને તેમની ટીમ આશ્ચર્ય અનુભવી રહી હતી.આ દરમિયાન સરકારી ગાડીના ચાલકે ફોડ પાડ્યો કે બે દિવસ અગાઉ ગાડીમાં ટ્રેકર લગાવેલુ હોવાનુ મળી આવ્યુ હતુ. જેને લઈ ફરીથી ગાડીની તપાસ કરતા જીપીએસ ટ્રેકર સરકારી ગાડીમાં લગાવ્યાનુ સામે આવ્યુ હતુ. આમ બે વાર સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવેલુ જણાઈ આવ્યુ હતુ. ઘટનાને પગલે ખાણખનિજના અધિકારીએ મોડાસામાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

Next Article