રાહતના સમાચાર: મેડીકલ, ડેન્ટલ, પેરા મેડીકલના વિદ્યાર્થીઓને ચાર હપ્તામાં ભરી શકશે સત્ર ફી

Webdunia
ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (10:09 IST)
રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યની મેડીકલ તથા પેરા મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જુલાઇમાં ભરવાની થતી સત્ર ફી માં રાહત આપીને આ ફી ચાર હપ્તામાં વિદ્યાર્થીઓ ભરી શકે તેવો વિદ્યાર્થી હીતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યની સરકારી ગ્રાન્ટેડ તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી કુલ-૫૧૫ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં એ.એન.એમ., જી.એન.એમ. તથા બી.એસ.સી. નર્સિંગ, ફિઝીયોથેરાપીના કુલ-૨૨૮૪૪ વિદ્યાર્થીઓને તથા મેડીકલ-ડેન્ટલ, આયુર્વેદિક તથા હોમિયોપેથીક કોલેજના કુલ-૧૨૩૦૭ વિદ્યાર્થીઓ મળી રાજ્યના કુલ-૩૫૧૫૧ વિદ્યાર્થીઓને આ રાહતનો લાભ મળશે.
 
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલેએ ઉમેર્યુ કે, આ નિર્ણયનો લાભ રાજ્યની ૬ સરકારી મેડીકલ કોલેજ, ૮ જી.એમ.ઇ.આર.એસ. કોલેજ, ૩ મહાનગરપાલિકા સંચાલિત કોલેજો, ૧૧ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો મળી કુલ-૨૮ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતાં ૫૩૬૦ વિદ્યાર્થીઓ તથા ડેન્ટલ કોલેજ પૈકીની ૨ સરકારી કોલેજ અને ૧ જી.એમ.ઇ.આર.એસ. સોસાયટી અને ૧ મહાનગરપાલિકા સંચાલિત તથા ૯ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અભ્યાસ કરતા કુલ-૧૨૫૫ વિદ્યાર્થીઓને મળશે. રાજ્યની આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ રાહત મળશે જેમાં ૬ સરકારી અને ૨૩ સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદિક કોલેજ મળી કુલ-૨૯ કોલેજોમાં અભ્યાસ કરતા ૨૦૮૨ વિદ્યાર્થીઓ અને સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતાં ૩૬૧૦ વિદ્યાર્થીઓને પણ આ લાભ મળશે.
 
એમ.બી.બી.એસ., ડેન્ટલ, સરકારી આયુર્વેદિક કોલેજ, હોમીયોપેથીક કોલેજ, નર્સિંગ કોલેજ, ફીઝીયોથેરાપી કોલેજ તથા અન્ય પેરા મેડીકલ કોર્ષ ચલાવતી કોલેજો જેવી કે સરકારી કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સોસાયટી સંચાલિત કોલેજો, મહાનગરપાલિકા સંચાલિત કોલેજો તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોરોના મહામારીના અસામાન્ય સંજોગો ધ્યાનમાં લઇ ખાસ કિસ્સા તરીકે જુલાઇના સત્રથી ભરવાની થતી ફી માં જે રાહત આપવામાં આવી છે. 
 
તદઅનુસાર સમગ્ર ફી ચાર હપ્તામાં વિદ્યાર્થીઓ ભરી શકશે. સમગ્ર ફી ના ૨૫ % દરેક હપ્તામાં ભરવાના રહેશે, ફી નો પ્રથમ ૨૫ % હપ્તો સપ્ટેમ્બર મહિનાની ૩૦ તારીખ સુધીમાં, બીજો હપ્તો ઓક્ટોબર મહિનાની ૩૧ તારીખ સુધીમાં, ત્રીજો હપ્તો નવેમ્બર મહિનાની ૩૦ તારીખ સુધીમાં અને ચોથો હપ્તો ડિસેમ્બર મહિનાની ૩૧ તારીખ સુધીમાં ભરી દેવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સક્ષમ હોય અને એકસાથે સમગ્ર સત્રની ફી ભરવા માંગતા હોય તો તેઓ સમગ્ર ફી એકસાથે પણ ભરી શકશે.

સંબંધિત સમાચાર

Next Article