અરબ સાગરમાં સર્જાયેલા ‘મહા’ વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી છે. ક્યાર નામના વાવાઝોડા બાદ હવે ‘મહા’ નામનું વાવાઝોડું વિનાશ વેરવા તૈયાર થયું છે. દિવાળીના તહેવારની મજા બગાડીને લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરવા આગળ ધપી રહેલું આ વાવાઝોડુ હાલમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ફંટાશે તેવા અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યાં છે. ગુજરાતના દરિયાકિનારાથી નજીક આવી જતાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. જોકે હવે સિસ્ટમથી થોડી દૂર જવા સાથે ફરી એકવાર દિશા બદલી 6 નવેમ્બરની રાત અથવા 7મીની વહેલી સવારે દીવ-દ્વારકાના દરિયાકાંઠા વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. સંભવત મંગળવારે ફરી પાછી આ સિસ્ટમ રિકર્વ થઇ ગુજરાત નજીક પહોંચશે ત્યારે વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે. હજુ આજે વાદળછાયો માહોલ રહ્યા બાદ મંગળવારથી વરસાદી ગતિવિધિ શરૂ થશે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે પણ કચ્છમાં તેની અસર હેઠળ 50થી 60 કિલોમિટરની ઝડપે પવન ફુંકાશે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં 6 અને 7 નવેના હળવોથી મધ્યમ વરસાદ વરસશે.કચ્છના તંત્રને એલર્ટ મોડમાં રહેવાની સુચના આપવામાં આવી છે. રાજય સ્તરેથી જે સૃચના મળશે તે મુજબ જિલ્લાનુ વહિવટીતંત્ર કામગીરી કરતું જશે તેવું સતાવાર સુત્રોએ જણાવ્યું છે. ‘મહા’ વાવાઝોડાની વેઘર સાઈટ વિન્ડી મુજબ સ્થિતિમહા વાવાઝોડું ગુજરાતના દરીયાકાંઠે ટકરાય તેવી પ્રબળ સંભાવના વચ્ચે દરિયામાં પણ તેનો કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાની સ્થિતિ રફ બનતાં દરિયાઇ સફર ખેડવા ગયેલી બોટોને પરત આવી જવા સુચના આપવામાં આવી હતી. ત્યારે કચ્છથી ઓપરેટ થયેલી 220 બોટ હજુ સુધી દરિયામાં જ અટવાયેલી હોવાથી તેનો સંપર્ક કરવા માટે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની મદદ લેવાઇ છે તેવું જિલ્લા મત્સ્યોદ્યોગ અધિકારી જીજ્ઞેશ ગોહિલે માહિતી આપતાં જણાવ્યું હતું. કચ્છના જખૌ, માંડવી અને મુન્દ્રા પોર્ટ પરથી કુલ 1090 બોટ દરિયામાં ગઇ હતી. વાવાઝોડાંની ચેતવણી મળ્યા બાદ અત્યાર સુધી 870 જેટલી બોટ પરત આવી ગઇ છે. જ્યારે કચ્છથી ઓપરેટ થયેલી કચ્છની 195 અને વલસાડ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભુમિ દ્વારકા જિલ્લાની 225 બોટ દરિયામાંથી પરત ફરી નથી.