ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે કોરોનાથી થતાં મોતનો આંકડો પણ ઘટી ગયો છે. રાજ્યમાં દિવાળી પછી સંક્રમણ વધ્યું હતું ત્યાર બાદ રાત્રિ કર્ફ્યૂ અમલમાં આવ્યો હતો. હવે રાજ્યમાં સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે. તેથી હવે રાજ્યના ચાર મહાનગરોમાં લગાવવામાં આવેલો રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવે તેવી શક્યતાઓ છે.તે ઉપરાંત જો કર્ફ્યૂ સંપૂર્ણ પણે ઉઠાવવામાં નહીં આવે તો કર્ફ્યૂના સમયમાં વધુ છુટછાટ આપવામાં આવી શકે છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. બીજી બાજુ સ્કૂલો પણ ધીરે ધીરે શરૂ થઈ રહી છે. તે ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ હોવાથી મહાનગરોમાં લાદવામાં આવેલ કર્ફ્યૂ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉઠાવી લેવાય તેવી નિર્ણય સરકાર લઈ શકે છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે જો કર્ફ્યૂ સંપૂર્ણ પણે નહીં ઉઠાવાય તો ચૂંટણીને કારણે તેમા વધારે છુટછાટ મળે તેવી પણ શક્યતાઓ છે. જેથી રાત્રીના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય. તેમજ રાત્રીના સમયે પોલીસની હેરાનગતિ બંધ થતા તેની સારી અસર ચૂંટણી પર થાય. ઉપરાંત અન્ય પણ કેટલીક બાબતોમાં ચૂંટણીલક્ષી છૂટછાટો આપી શકાય છે. રાજ્યમાં માસ્ક નહીં પહેરનારા નાગરિકો પાસેથી દંડ લેવાની સંખ્યામાં વધારો થયો છે. તેના કારણે પ્રજા અને પોલીસ વચ્ચે સંઘર્ષ થવાના બનાવો પણ બની રહ્યાં છે. એક હજાર રૂપિયાનો દંડ ભરીને લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.પોલીસ દ્વારા લોકો પર તો અમુક કિસ્સામાં પોલીસ ઉપર પણ હુમલાની ઘટના શરૂ થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માસ્કના દંડની વિપરીત અસર થઈ શકે છે,એ પ્રકારનો રિપોર્ટ સરકારને મળ્યો છે. લોકોમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે હવે માસ્કના દંડની રકમ ઘટાડીને માત્ર 100થી 200 રૂપિયા કરવી જોઈએ.