ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેને ચાર ચાર બંગડી વાળું ગીત ગાવાની મંજુરી આપી

Webdunia
ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (14:47 IST)
‘ચાર-ચાર બંગડી વાળી ગાડી’ ગીતથી લોકપ્રિય બનેલી ગુજરાતી ગાયિકા કિંજલ દવેને હાઈકોર્ટએ રાહત આપતાં, આ ગીત ગાવાની મંજૂરી આપી છે અને કમર્શિયલ કોર્ટના આદેશને રદ કર્યો છે. આ મામલે કિંજલે હાઇકોર્ટમાં અપીલ કરી હતી . અરજીમાં તેણે એવો દાવો કર્યો હતો કે, નીચલી કોર્ટનો આદેશ એકપક્ષીય હોવાથી તે ગેરવ્યાજબી અને ગેરકાયદેસર છે. તેથી તેને રદ કરવામાં આવે. કોમર્શિયલ કોર્ટનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવતા હવે કિંજલ દવે કાર્યક્રમોમાં, સ્ટેજ પર ‘ચાર-ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાઈ શકશે.   
બુધવારાના રોજ હાઇકોર્ટના જસ્ટિસ હર્ષા દેવાણીની ખંડપીઠે બંને પક્ષોને ઝાટક્યા હતા. બુધવારે કોર્ટમાં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ જસ્ટિસ હર્ષા દેવાણી અને એ પી ઠાકરે ગીતના વિવાદ મામલે થઈ રહેલી સુનાવણી દરમિયાન કિંજલ દવેના પક્ષથી જવાબો રજૂ નહીં કરાતા તેમનો ઉધડો લીધો હતો. ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે, નીચલી કોર્ટે ૨૦થી વધુ દિવસનો સમય આપ્યો હોવા છતા તેમણે જવાબ કેમ રજૂ નથી કર્યો?
ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા એક યુવકે આ જ ગીત અંગે કોપીરાઇટનો દાવો કર્યો હતો. જેમાં તેણે એવી રજૂઆત કરી હતી કે, ‘ચાર-ચાર બંગડી વાળી ગાડી’ ગીત તેણે લખ્યું અને ગાયું પણ છે. જેનો વિડીયો યૂટ્યુબ પર વર્ષ 2016માં તેણે અપલોડ કર્યો હતો અને ત્યારબાદ ગીતમાં નહિવત ફેરફાર કરીને કિંજલ દવેએ આ જ ગીત રેકોર્ડ કર્યું હતું. કિંજલ દવેને આ ગીત હટાવી લેવા માટે નોટિસ અપાઇ હતી. પરંતુ કોઇ જ કાર્યવાહી થઇ નથી. 
તેથી કોર્ટમાં કેસમાં કોપીરાઇટનો કેસ કરાતા કોર્ટે આ ગીત ઇન્ટરનેટ માધ્યમો પરથી હટાવી લેવા આદેશ કર્યો છે અને ગીતના વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેની સામે હવે કીંજલ દવેએ એડવોકેટ જયદીપસિંહ વાઘેલા મારફતે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article