21જૂન- વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ઘેંટા અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાન ભરવાડ યોગ દિવસે હાજર રહેશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મથકમાં યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાનમાં નગરપાલિકાના ચીફઓફિસરને વિચિત્ર કામગીરી સોંપવામાં આવી છે. તેમને મેદાનમાં કૂતરા આવી ના જાય તેનું ધ્યાન રાખવા તેમજ અન્ય કામો અંગે લેખિતમાં તાકીદ કરાઈ છે. આ ઇવેન્ટને સફળ બનાવવા જુદા જુદા વિભાગોને જવાબદારીઓ આપવામાં આવી છે. જે અંતર્ગત પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલનપુર નગરપાલિકાના ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ આર કે પરમારને સવારે 6: 30 થી 8:30 દરમિયાન જુદી જુદી 8 પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં યોગ કાર્યક્રમ દરમિયાન કુતરા ન આવી જાય તે જોવાની કામગીરી બજાવવાનું પણ લખવામાં આવ્યું હતું.અધૂરામાં પૂરું બોલપેનથી આ પત્રમાં લીટી દોરી ચીફઓફિસરની કામગીરી અંડર લાઈન કરીને તસ્વીર સાથેની પોસ્ટ જુદા જુદા વ્હોટ્સએપ ગ્રુપમાં ફરતી કરી દેવાઈ હતી. આ અંગે પાલિકા ચીફઓફિસર અને ઓફીસ સુપ્રી.નો સંપર્ક સાધી શકાયો નહોતો. જોકે આ પ્રકારની કામગીરી ફાળવણી અગાઉના બનાવો સંદર્ભે તૈયાર કરવામાં આવી હોવાનું પાલનપુર કલેકટર કચેરીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ મેદાનમા કુતરાઓ આવી જવાની ઘટના બની હતી જેથી કાર્યક્રમમાં ખલેલ ન પડે તે હેતુથી આવું લખાયું હતું.