નવરાત્રિના આનંદની અનુભૂતિ: સયાજીનો કોવિડ વોર્ડ બન્યો ચાચર ચોક..

Webdunia
બુધવાર, 21 ઑક્ટોબર 2020 (13:01 IST)
સયાજીના કોવિડ વોર્ડના દર્દીઓને તાજગી અને સ્ફૂર્તિ આપવા તેમજ શ્વસન ક્રિયાઓના નિયમનથી ઓક્સિજન લેવલને સ્થિર રાખવા ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા નિયમિત કસરતો અને યોગ કરાવવામાં આવે છે.તેની સાથે હાસ્ય અને સંગીત ચિકિત્સા પણ જોડવામાં આવી છે.આ પ્રયોગોનો આશય દર્દીઓને પ્રફુલ્લિત રાખી,એમની માનસિકતામાં સકારાત્મકતા કેળવી સાજા થવાની પ્રક્રિયાને વેગ આપવાનો છે.
 
માતૃ શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી અને તેની સાથે અભિન્ન રીતે સંકળાયેલા ગરબાને જોડી આજે સવારની એક્સરસાઇઝને એક નવો આયામ આપવામાં આવ્યો હતો.આજે કોવિડ વોર્ડમાં ગરબાના મોડમાં કવાયતો કરાવવામાં આવી હતી જેના પરિણામે સારવાર હેઠળના દર્દીઓને કસરતના લાભની સાથે માં ના ભક્તિ પર્વ નવરાત્રીનો આનંદ માણવા મળ્યો હતો. 
 
દર્દીઓએ હરખભેર તેમાં જોડાઈને આ પ્રયોગને વધાવ્યો હતો. એપી અને નોડલ ઓફિસર, ફિઝીયોથેરાપી ડો.ચેતના સેજુએ કોવિડ સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ. બી.સાથે સંકલન કરી આયોજિત કરેલી આ અનોખી નવરાત્રીથી કોવિડ વોર્ડમાં પર્વના ઉત્સાહનું નવું વાતાવરણ સર્જાયું હતું.
 
શરીર એકદમ રિલેક્સ એટલે કે હળવું થઈ ગયું એવી લાગણી વ્યક્ત કરતાં સારવાર હેઠળના દર્દી પુરાણી સંજયભાઈએ ખુશખુશાલ ચહેરે જણાવ્યું કે, કસરત સાથે ગરબા કરવાની ઘણી મજા આવી.જાણે કોઈ રોગ થયો જ નથી એવી હળવાશ અનુભવાઈ રહી છે.નવરાત્રિ અંગેના સરકારના નિયમોનું પાલન થવું જોઈએ અને તેની સાથે અહી સારવાર લઈ રહ્યાં છે એવા દર્દીઓને માતૃ આરાધના પર્વ નવરાત્રિનો દિવ્ય આનંદ મળવો જોઈએ એવી લાગણી વ્યક્ત કરતા ડો.ચેતના એ જણાવ્યું છે કે, કવાયત અને ગરબાના આ સમનવિત પ્રયોગ દરમિયાન દર્દીઓનાઓક્સિજન લેવલ અને શારીરિક સ્થિતિની પૂરતી તકેદારી લેવામાં આવી. આ પ્રયોગ દર્દીઓના આનંદનું લેવલ વધારનારો બની રહ્યાનો મારી ટીમને આનંદ છે.
 
આ પ્રયોગના આયોજનમાં ડો.વૈશાલી મિસ્ત્રી, ડો. હેત્વી ભાવસાર અને ડો.ખુશ્બુ પરમારનો સહયોગ મળ્યો હતો.વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ. બી.એ તમામ ગાઈડ લાઇન પાળી દર્દીઓને નવરાત્રી પર્વની આનંદ અનુભૂતિ કરાવતા આયોજન માટે ટીમને અભિનંદન આપ્યા હતા.ડો.બેલીમ એ જણાવ્યું કે, કોરોનામાં ફેફસાં અને હૃદયને અસર થાય છે અને લોહી ઘટ્ટ થાય છે. 
 
ત્યારે ગરબા લોહીના પરિભ્રમણને નિયમિત કરવાની સાથે હૃદયના રિધમને નોર્મલ કરે છે. તેનાથી ફેફસાને પણ કસરત મળે છે.સલાહકાર ડો.મીનુ પટેલ પણ આ પ્રયોગને પ્રોત્સાહક ગણાવે છે.નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે. ગરબો એ લોક નૃત્ય છે જેમાં લય,તાલ અને અંગભંગિમાઓનો સમન્વય થયો છે.ગરબા દ્વારા શરીરમાં દેવીની ચેતનાનો આવિર્ભાવ,સંચાર થાય છે. કોવિડ જેવી મહામારી સામેની લડતમાં ગરબાને જોડી જન દર્દીઓને સ્વાસ્થ્ય લાભ સાથે ભક્તિની અનુભૂતિ કરાવવાનો આ પ્રયોગ સાચે જ અનોખો ગણાય.

સંબંધિત સમાચાર

Next Article