ગુજરાતના હિમતનગર, દ્વારકા અને ખંભાત શહેરમાં રવિવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન કોમી અથડામણ થઈ હતી. આ કોમી અથડામણ બે સમુદાયો વચ્ચે થઈ હતી. આ અથડામણ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો, આ સિવાય મોટી સંખ્યામાં દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું. તેમને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ બનાવોમાં પાંચથી વધુ પોલીસ જવાનો સહિત 15થી વધુ લોકોને ઈજા પહોંચી છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ તોફાનીઓને પકડવાની કવાયત હાથ ધરી છે.
અધિકારીએ શું કહ્યું
બે સમુદાયો વચ્ચેની અથડામણ પછી, અધિકારીઓએ કહ્યું કે ઘાયલોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં બપોરે રામનવમીની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં બે સમુદાયના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. "પોલીસને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ પછી, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે શહેરની બહારથી વધારાની પોલીસ દળને બોલાવવામાં આવી હતી," અધિકારીઓએ જણાવ્યું હતું.
શા માટે થયો વિવાદ
રામનવમી નિમિત્તે ખંભાત શહેરના શક્કરપુર વિસ્તાર સ્થિત રામજી મંદિરથી રવિવારે સાંજે ચાર વાગ્યે પગપાળા ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ત્રણ હજારથી વધુ ભક્તો જોડાયા હતા. શક્કરપુર વિસ્તારથી નીકળીને યાત્રા થોડે જ દૂર પહોંચી એ વખતે બાવળના ખેતરો અને અવાવરૂ જગ્યાએથી અચાનક કેટલાંક તોફાનીઓએ શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તેથી શોભાયાત્રામાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી હતી. જોતજોતામાં ટોળાંએ સામસામે પથ્થરમારો શરૂ કર્યો હતો.
કંટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી. જેમાં બે જૂથોએ પથ્થરમારો કરી દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ભગવાન રામના જન્મદિવસ તરીકે ઉજવાતા રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.