અમદાવાદમાં બહેને જ ભાઈની પરસ્ત્રી સાથે મિત્રતા કરાવી, પત્નીની ખબર પડતા જેઠે કહ્યું, 'ફાવે તો રહેવાનું, મારો ભાઈ ગમે તેટલી સ્ત્રી સાથે સંબંધ રાખે'

Webdunia
શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (11:49 IST)
શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના જેઠ, નણંદ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાને તેનો પતિ ઝઘડો કરી દારૂ પીને માર મારતો હતો. આટલું જ નહીં પતિને પરસ્ત્રી સાથે સબંધ હોવાની જાણ થતાં તેણે નણંદને જણાવ્યું તો જવાબ મળ્યો કે, તે તેની મિત્ર છે અને તેણે જ મિત્રતા કરાવી આપી હતી. શહેરના કૃષ્ણનગરમાં રહેતી 48 વર્ષીય મહિલા પતિ અને 21 વર્ષીય પુત્ર સાથે રહે છે. મહિલાનો પતિ વેપાર કરે છે. વર્ષ 1996માં મહિલાએ લગ્ન કર્યા હતા અને બાદમાં સંસાર સારી રીતે ચાલતો હતો પણ પતિ ગુસ્સાવાળા સ્વભાવનો હોવાથી ઝઘડા થતા હતા. બાળકને જન્મ આપ્યો ત્યારે જિયાણામાં જે રૂપિયા આવ્યા હતા તે ભેગા કરી મહિલાએ ફ્લેટ લીધો અને બાદમાં પતિ તથા સંતાન સાથે ત્યાં રહેવા ગઈ હતી. થોડા સમય બાદ બીજું મકાન લેવા પતિએ પત્નીને પિયરમાંથી પૈસા લાવવાનું દબાણ કર્યું હતું. મહિલાનો જેઠ અને નણંદ પણ ઘરે આવી મહિલાના પતિને ચઢામણી કરતા હતા અને મહિલાનો પતિ દારૂ પીને આ બધી બાબતોમાં તેને માર મારતો હતો. મહિલાનો પતિ પોતાના પુત્રને પોતાનું સંતાન ન ગણી મહિલાને ત્રાસ આપી ગેરવર્તન કરતો હતો. બાદમાં 'તું મને ગમતી નથી, પિયરમાંથી પાંચ લાખ લાવી નથી' કહીને ઝઘડા કરી પતિ માર મારતો હતો. દરમિયાનમાં કોઈ પરસ્ત્રી સાથે પતિને આડા સબંધ હોવાની જાણ થતા મહિલાએ જેઠ અને નણંદને કહ્યું, તો તેઓએ મહિલાના પતિનો પક્ષ લીધો હતો. આટલું જ નહીં જેઠે મહિલાને કહ્યું કે, તેનો ભાઈ તે સ્ત્રી સાથે જ સંબંધ રાખશે. 'ફાવે તો રહેવાનું, મારો ભાઈ ગમે તેટલી સ્ત્રી સાથે સંબંધ રાખે ચૂપચાપ રહેવાનું' કહી ધમકી આપતો. મહિલાની નણંદએ પણ કહ્યું કે, પરસ્ત્રી મારી મિત્ર છે અને મેં જ તેની સાથે મિત્રતા કરાવી આપી હતી. એક દિવસ મહિલા નણંદને સમજાવવા ગઈ તો પતિએ આ પત્નીને માર મારતા કંટાળીને આ મામલે કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

Next Article