અમદાવાદમાં પાથરણાવાળાએ MD ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું, 200-500 રૂપિયા કમિશનથી વેચતો

Webdunia
ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (08:57 IST)
અમદાવાદના પાથરણાવાળાએ એમ.ડી. ડ્રગ્સ વેચવાનો કારોબાર શરૂ કર્યો તેની પાછળ શહેરના મોટા ડીલરોના નામ ખૂલવા લાગ્યા છે. શહેરના સેટેલાઇટ, વસ્ત્રાપુર અને એસપી રિંગ રોડ પાસે રહેતા ધનાઢ્ય પરિવારના નબીરાઓ પેડલર પાસે ડ્રગ્સ લેવા લાઈન લગાવતા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું છે. પટવા વિસ્તારના ડ્રગ્સ પેડલર અલ્તાફ શેખ પાસે સેટેલાઈટ-નહેરૂનગરથી યુવક-યુવતીઓ ડ્રગ્સ લેવા લક્ઝરી કારમાં આવતા હતા. અલ્તાફના મોબાઈલ ફોનમાંથી ડ્રગ્સનું સેવન કરતા યુવક-યુવતીઓના નંબર મેળવીને તેમના પરિવારનો પોલીસ સંપર્ક કરશે. તપાસ દરમિયાન પટવા શેરીના તૌસીફ નામના ડ્રગ્સ ડીલરનું નામ પણ ક્રાઈમ બ્રાન્ચે ખોલી નાખ્યું છે. હવે આ ધનાઢ્ય પરિવારના બાળકોએ ડ્રગ્સ લીધું હતું તેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ફોન કરીને તમને જણાવશે અને તેમના બગડેલ અને વન્ઠેલ બાળકોની કરમકુંડળી જણાવશે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પી.બી. દેસાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમે રિસિવરની યાદી તૈયાર કરી અને તેમના પરિવારને બાળકો ડ્રગ લેતા હતા તે અંગેની જાણ કરીશું.ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કારંજ જીપીઓ રોડ ઉપર સ્પેક્ટ્રમ કોમ્પલેક્સ સામે અલ્તાફ ઈકબાલભાઈ શેખ (ઉ.વ. 30, રહે. મૌદીનની ચાલી, પટવા શેરી, કારંજ)ને 23.240 ગ્રામ મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. 2.32 લાખની કિંમતના ડ્રગ્સ ઉપરાંત પ્લાસ્ટીકની 7 ઝીપર થેલી, ડીજીટલ પોકેટ વજનકાંટો અને એક ટુ વ્હીલર મળી 2.95 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.અલ્તાફે પોલીસને એવી કેફીયત આપી છે કે, પાલિકા બજાર પાસે બૂટ-ચપ્પલનો પથારો રાખી વેપાર કરતો હતો. છ મહિનાથી બૂટ-ચપ્પલનો પથારો બંધ થઈ ગયો હોવાથી અલ્તાફે ચોરી છૂપીથી એમ.ડી. ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો છે. ત્રણેક મહિનાથી દરિયાપુર ચારવાડ, માઢના મહોલ્લામાં રહેતા તૌસીફ શેખ પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવી કમિશનથી વેચતો હતો. તૌસીફ પાસેથી 1600થી 1800 રૂપિયામાં મળતી મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સની એક ગ્રામની પડીકી 2000થી 2200 રૂપિયામાં અલ્તાફ વેચતો હતો.સેટેલાઈટ અને નહેરૂનગર વિસ્તારમાંથી 15-20 યુવકો અલ્તાફના ગ્રાહકો હતાં. નિશ્ચિત ગ્રાહકો ફોન કરે તો જ અલ્તાફ તેમને ડ્રગ્સ લઈ જવા માટે આશ્રમ રોડ કે કારંજ વિસ્તારની ગલીઓમાં બોલાવતો હતો. પોલીસને એવી વિગતો મળી છે કે, અમુક બાંધેલા ગ્રાહકો થકી અન્ય લોકોને પણ ડ્રગ્સ વેચવામાં આવતું હતું. અલ્તાફને ડ્રગ્સ વેચનાર તૌસીફ શેખને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યાં છે.

સંબંધિત સમાચાર

Next Article