આજે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે. આજના દિવસે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે. જ્યારે બીજી તરફ યુથ કોંગ્રેસ દ્વારા આજે બેરોજગાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભજીયા તળી અને શાકભાજી વેચીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
શહેરમાં ગુજરાત યુનિવર્સિટીના સુભાષચંદ્ર બોઝ ગેટ પાસે યુથ કોંગ્રેસના કાર્યકરોએ હાથ લારીમાં સગડી અને કઢાઈ મુકીને ભજીયા તળીને લોકોને વહેંચ્યા હતાં. તે ઉપરાંત શાકની લારી લઈને શાકભાજીની પણ વહેંચણી કરી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરો આજના વડાપ્રધાનના જન્મ દિવસને બેરોજગાર દિવસ તરીકે ઉજવવવા બેનર સાથે ઉમટી પડ્યા હતાં. તેમણે નારા લગાવીને વિરોધ કર્યો હતો.
પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે યુથ કોંગ્રેસના સંજય સોલંકીએ જણાવ્યું હતું કે, દેશમાં આજે અનેક યુવાનો બેરોજગાર છે અને બીજી તરફ આજના દિવસની ઉજવણી થઈ રહી છે. દેશમાં ભણેલા ગણેલા યુવાનો આજે બેકાર ફરી રહ્યાં છે. જેથી આજના દિવસને યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગાર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.