7 દિવસમાં ચક્કર આવવાના 823 અને મૂર્છિત થઇને પડી જવાના 1100થી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં 30 એપ્રિલ અને 1લી જૂનના રોજ શહેરનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચી શકે
ગુજરાતમાં ગરમીની સમસ્યાથી બિમાર પડવાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં જ 6 હજારથી વધુ લોકો ગરમીને લગતી સમસ્યાનો શિકાર બની ચૂક્યા છે.ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં કુલ 6735થી વધુ લોકો કાળઝાળ ગરમીથી બિમાર પડયા છે. જેમાં પેટમાં દુઃખાવાની સૌથી વધુ 1556 ફરિયાદ નોંધાઇ છે. આ પૈકી છેલ્લા ચાર દિવસથી પેટમાં દુઃખાવાની દરરોજની 50થી વધુ ફરિયાદો સામે આવી રહી છે. ગરમીથી શ્વાસ લેવામાં સમસ્યા નડતી હોય તેના 1152 કેસ છેલ્લા સાત દિવસમાં નોંધાયા છે.
અમદાવાદમાં આગામી બે દિવસ રેડ એલર્ટ
આ ઉપરાંત કાળઝાળ ગરમીથી ચક્કર આવવા, મૂર્છિત થઇને પડી જવાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં ચક્કર આવવાના 823 અને મૂર્છિત થઇને પડી જવાના 1100થી વધુ કેસ નોંધાયેલા છે. ડોક્ટરોના મતે કાળઝાળ ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી વૃદ્ધો-બાળકો અને ગર્ભવતી મહિલાઓએ બહાર નીકળવાનું ટાળવું જોઇએ. રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવનો શરૂ થતાં અસહ્ય તાપ પડી રહ્યો છે.અમદાવાદમાં આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે.
રાજસ્થાન તરફથી આવતો સુકો અને ગરમ પવન ગરમી વઘારે છે આ દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યારબાદ બે દિવસ ઓરેન્જ એલર્ટ અને 4 મેના રોજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદની ગરમીના આ પ્રકોપને જોતા આગામી મે અને જુન માસમાં કેટલી ગરમી પડશે તે વિચારીને લોકો ચિંતાતુર બની રહ્યા છે. હાલમાં ચાલી રહેલો લગ્નગાળો ઉનાળાની ગરમીને લઇને લોકોની મજા બગાડી રહ્યો છે.રાજસ્થાન તરફથી આવતો સુકો અને ગરમ પવન ગરમી વધારી રહ્યો છે અને તેની સાથે સૂર્ય આગ ઓકતો હોય તેવી સ્થિતિ બપોરે જોવા મળી રહી છે.એપ્રિલ માસ પુરો થવા પર છે પરંતુ ગરમીનો પારો ઉંચો ચઢી રહ્યો છે. અમદાવાદમાં 44.4 ડિગ્રી સિઝનનું સૌથી વધારે તાપમાન છે.