આનંદનગરમાં આવેલા એક બંગલામાંથી ધોળે દિવસે એક જ કલાકમાં તાળાં તોડીને ઘૂસી આવેલા તસ્કર રૂ. 1.03 લાખની કિંમતના દાગીના ચોરી ગયા હતા. જ્યારે કાલુપુરમાં પણ ધોળે દિવસે વેપારીના ઘરનાં તાળાં તોડીને તસ્કર રોકડ અને સોનાની બંગડી મળીને કુલ રૂ.2.15 લાખ ચોરી ગયા હતા.
આનંદનગર ચાર રસ્તા સ્મિત સાગર સોસાયટીમાં મધુસૂદનભાઈ લાલજીભાઈ સોનારા (68) પત્ની અમૃતાબહેન, પુત્ર વિશ્લેશ અને પુત્રવધૂ હેતલબહેન સાથે રહે છે. 27 માર્ચે રવિવારે 10.45 વાગ્યે વિશ્લેશભાઈ અને હેતલબહેન ફિલ્મ જોવા ગયાં હતાં. જ્યારે 11 વાગ્યે મધુસૂદનભાઈ અને અમૃતાબહેન વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે કપડાં લેવા ગયાં હતાં. તેઓ કપડાં લઈને બપોરે 12 વાગ્યે ઘરે પાછા આવ્યા ત્યારે જોયું તો બંગલાના કમ્પાઉન્ડનો ઝાંપો ખુલ્લો હતો તેમ જ બંગલાનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો, જેથી તેમણે અંદર જઈને જોયું તો બેડરૂમની તિજોરીનું લોક તૂટેલુ હતુ. જ્યારે તિજોરીમાં બોક્સમાં મૂકેલા રૂ. 1.03 લાખની કિંમતના સોના- ચાંદીના દાગીના ભરેલું બોક્સ ન હતું. આથી આ અંગે મધુસુદનભાઈએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ઘટનામાં કાલુપુરની દાડીગરાની પોળ કુત્બી મહોલ્લામાં રહેતા નાસીરભાઈ નશરુલ્લાખાન પઠાણ (ઉં.50) ડેકોરેશનનું કામ કરે છે. 27 માર્ચે તેમના સાળાની દીકરીની સગાઈ હોવાથી નાસીરભાઈ ઘરને તાળંુ મારીને પરિવારના સભ્યો સાથે ફતેવાડી ગયા હતા. ત્યાંથી તેઓ રાતે ઘરે આવ્યા હતા. તેમણે ઘરે આવીને જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું તેમ જ તિજોરીનું લોક તૂટેલંુ હતું અને તેમાં મૂકેલા રોકડા રૂ.2.05 લાખ અને સોનાની 2 બંગડી મળીને કુલ રૂ.2.15 લાખની ચોરી થઈ હતી. આ અંગે નાસીરભાઈએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.