મંત્રીપદ ઈચ્છતા ભાજપના બે ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાનો હાર્દિક પટેલનો દાવો

Webdunia
બુધવાર, 10 જૂન 2020 (14:52 IST)
આગામી 19મી જૂનના રોજ યોજનારી રાજ્ય સભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. કૉંગ્રેસ કુલ આઠ ધારાસભ્યના રાજીનામાં બાદ ભાજપ ત્રણ બેઠક પર જીત થશે તેવો દાવો કરી રહ્યું છે. બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠક જીતવા માટે કૉંગ્રેસ પાર્ટીએ પણ કમર કસી છે. જે પ્રમાણે વધારે ધારાસભ્યો ન તૂટે તે માટે તમામ ધારાસભ્યોને અલગ અલગ જગ્યા પર રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે મોટો દાવો કર્યો છે. હાર્દિક પટેલના કહેવા પ્રમાણે ભાજપના બેથી ત્રણ ધારાસભ્યો કે જેઓ મંત્રી પદ ન મળવાને કારણે અસંતુષ્ટ છે તેઓ કૉંગ્રેસ પાર્ટીના સંપર્કમાં છે.રાજકોટ ખાતે એક રિસોર્ટમાં રોકાયેલા કૉંગ્રેસના 18 ધારાસભ્યોને આજે પરેશ ધાનાણીના ગઢમાં ખસેડવામાં આવ્યા છે. આ તમામ ધારાસભ્ય ગઢડા થઈને ધારી જવા માટે નીકળ્યા છે. ધારાસભ્યો ધારી માટે રવાના થાય તે પહેલા ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, કૉંગ્રેસના બંને ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા થશે. કૉંગ્રેસને જીત માટે મત ખૂટે છે ત્યારે કેવી રીતે જીત થશે તેવો સવાલ કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મંત્રીપદ નથી મળ્યું તેવા ભાજપા બે જૂના ધારાસભ્યો કૉંગ્રેસ હાઇકમાન્ડના સંપર્કમાં છે. આ મામલે 15-16 તારીખ સુધીમાં બંને ધારાસભ્યો સાથે સંકલન થઈ જશે.આ દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાતચીત કરતા દાવો કર્યો હતો કે, એનસીપી તરફથી તેના ધારાસભ્યને કૉંગ્રેસને મત આપવા માટે વ્હીપ જારી કરી દીધો છે. આ ઉપરાંત બીટીપીના બંને ધારાસભ્યો પણ કૉંગ્રેસને જ મત આપશે, આ માટે વાતચીત ચાલી રહી છે. 
 
 

સંબંધિત સમાચાર

Next Article