મહામારી કોરોનાને કારણે સતત પાછી ઠેલાતી આવી રહેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા હવે 24 ઓગસ્ટે લેવામાં આવશે. જેને પગલે આ પરીક્ષાની હોલ ટિકિટ પણ ઓનલાઈન મુકી દેવામાં આવી છે. ગુજકેટના ઉમેદવારોએ હોલ ટિકિટ લેવા માટે વેબસાઈટ gujcet.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી 31 ઓગસ્ટ 2020 સાંજના 6 વાગ્યાથી ડાઉનલોડ કરી શકશે. જેમાં ગુજકેડ-2020માં માટે કરેલા આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ-ડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર નાંખીને હોલ ટોકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ હોલ ટિકિટ સર્ચ કરી અને જન્મ તારીખની વિગતો ભરીને ડાઉનલોડ કરી શકશે. જૂની તારીખ(31 માર્ચ) વાળી હોલ ટિકિટ માન્ય રહેશે નહીં. હોલ ટિકિટ માત્ર ઓનલાઈન જ મળશે અને તેના પર સ્કૂલના પ્રિન્સિપાલના સિક્કાની જરૂર નથી. વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટ સાથે કોઈપણ એક ફોટો આઈડી પ્રૂફ(આધાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ અથવા ધો.12ની મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ) સાથે લઈ જવાના રહેશે. આ પહેલાં આ પરીક્ષા 31 માર્ચે યોજાવાની હતી. પરંતુ મહામારી કોરોનાને પગલે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષા 30 જુલાઈએ લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે કોરોના બેકાબૂ બનતા અંતે 22 ઓગસ્ટ નવી તારીખ જાહેર કરી હતી. પરંતુ ઉત્સવોને કારણે તારીખમાં ફેરફાર કરી 24 ઓગસ્ટે પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી અને ડિપ્લોમા, ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટમાં ગ્રૂપ-Aના 49,888, ગ્રૂપ-Bના 75,519, ગ્રૂપ-ABના 374 મળી કુલ 1,25,781 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.