અમદાવાદ શહેરમા નવરાત્રિના ગરબા માટે 28 અરજી એકપણ સંચાલકને મંજૂરી નહીં

Webdunia
સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (12:45 IST)
નવરાત્રીને માંડ અઠવાડીયું બાકી છે અને પોલીસ પાસે ગરબા માટે ૨૮ આયોજકોએ અરજી કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસે પાર્કિંગ વ્યવસ્થા અને ફાયર સેફ્ટી યોગ્ય નહી હોય તો ગરબાની મંજુરી નહી અપાય એમ જણાવ્યું છે. જે તે પોલીસ સ્ટેશનો અને ફાયરબ્રિગેડ તરફથી એનઓસીના સંપુર્ણ રિપોર્ટ હજી સુધી પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચ્યા નથી. જેને કારણે હજી એક પણ આયોજકને ગરબાની મંજુરી આપવામાં આવી નથી. જ્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં માંડ બે આયોજકોએ અરજી કરી છે. 
નવરાત્રના ગરબા માટે અત્યારસુધીમાં ૨૮ આયોજકોએ પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરીને મંજુરી માંગી છે. જેમાં એસ.જી.હાઈવે પર આવેલી ત્રણ ક્લબો ઉપરાંત પાર્ટી પ્લોટો અને હોલનો સમાવેશ થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસે ગરબાના આયોજન માટે ધારાધોરણો નક્કી કર્યા છે. નવરાત્રીમાં સૌથી મોટી સમસ્યા પાર્કિંગની હોય છે. જ્યાં ગરબાનું આયોજન કરાયું હોય ત્યાં પાર્કિંગની જગ્યાનું માપ, પાર્કિંગ વિસ્તાર પોતાનો છે કે ભાડાનો, પાર્કિંગ કાર્યક્રમના સ્થળથી કેટલું દુર છે, પાર્કિંગમાં ફોરવ્હિલ તથા ટુ વ્હિલર કેટલા સમાઈ શકશે વગેરે માહિતી માંગવામાં આવી છે. 
ગરબામાં આવનારી વ્યક્તિઓની સંખ્યા અને પ્રાઈવેટ સિક્યુરિટીની વિગતો પણ દર્શાવવાની રહેશે. તે સિવાય કેટલા દરની ટિકીટ છે તેની માહિતી જીએસટી નંબર સાથે આપવાની રહેશે. ફાયર સેફ્ટી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રમાણપત્ર, ઈલેક્ટ્રિક ફીટીંગ અંગેનું ગવર્મેન્ટ ઓથોરાઈઝ્ડ ઈલેકટ્રિશીયન પ્રમાણપત્ર, જનરેટરની વ્યવસ્થા છે કે કેમ, સીસીટીવી કેમેરાક્યાં અને કેટલા લગાવેલા છે તેની વિગત પણ આયોજકો પાસે માંગવામાં આવી છે. ગરબામાં આવતી મહિલાઓની સુરક્ષા અંગે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે પણ માહિતી આપવાની રહેશે. 
ઉપરાંત આયોજકે ઈમરજન્સી વખતે ડોક્ટર કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે કે કેમ તે પણ જણાવવાનું રહેશે. દરેક પોલીસ સ્ટેશનને તેમના વિસ્તારમાંથી આયોજકે કરેલી અરજી અંગે રિપોર્ટ તૈયાર કરીને પોલીસ કમિશનર કચેરીએ પહોંચાડવાનો હોય છે. ફાયરબ્રિગેડ પણ સાવચેતી માટે પુરતી તકેદારી લેવામાં આવી છે કે નહી તેનો રિપોર્ટ આપે છે. પરંતું હજી સીધી પોલીસ અને ફાયરબ્રિગેડના રિપોર્ટ કમિશનર કચેરીને મોકલાયા નથી. જેને કારણે એકપણ સંચાલકને ગરબા માટે હજી સુધી મંજુરી મળી નથી. બીજીતરફ અમદાવાદ ગ્રામ્ય પોલીસને ગરબાની મંજુરી માટે ફક્ત બે અરજી મળી છે.

સંબંધિત સમાચાર

Next Article