Gujarat Weather Update:ગુજરાતમાં ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ શિયાળાએ જોર પકડ્યું છે ત્યારે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 4 થી 6 ડીસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે.
અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. દક્ષિણ
ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 8 થી 6 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.