રેલવે વિભાગ દ્વારા દેશમાં વર્ષ ૨૦૨૩ સુધીમાં ૧૦૯ રૂટો પર ખાનગી ટ્રેનો દોડાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં ગુજરાતમાંથી ૧૦ રૂટો પરથી ખાનગી ટ્રેનો દોડશે. અમદાવાદથી મુંબઇ અને પ્રયાગરાજ માટે, સાબરમતીથી જોધપુર અને દિલ્હી માટે, સુરતથી મુંબઇ, વારાસણી, આસનસોલ અને પટના માટેની ખાનગી ટ્રેનો દોડાવાનું આયોજન છે. ઉપરાંત વડોદરા-મુંબઇ, રાજકોટ-ભોપાલ રૂટ પરથી પણ ખાનગી ટ્રેન દોડાવવામાં આવનાર છે. ભારત સરકારના રેલવે મંત્રાલય,રેલવે બોર્ડ દ્વારા તા.૨૭ જુલાઇએ દેશના તમામ ઝોનલ અધિકારીઓને સંબોધીને લખાયેલા પરિપત્રમાં ટ્રેનના રૂટ, ટ્રેન ઉપાડવાનો સમય, ટ્રેન પહોંચવાનો સમય, કિ.મી. અને ટ્રેન દૈનિક છેકે વિકલી તે તમામ વિગતવાર સાથે પત્ર પાઠવીને મેન્ટેનન્સ ડેપો, વોશિંગ સહિતની સુવિધાઓની ઉપલબ્ધતા અને તેના આયોજન માટે પગલા લેવાની સુચના અપાઇ હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાંથી ઉપડનારી ખાનગી ટ્રેનમાં સૌથી લાંબા અંતરની ખાનગી ટ્રેન સુરત-આસનસોલ હશે. જે ૧,૮૪૫ કિ.મી.ની મુસાફરી કરશે. આ ટ્રેન વિકલી રહેશે. સૌથી નાના અંતરની ટ્રેન સુરત-મુંબઇ હશે આ ટ્રેન ૨૬૩ કિ.મી.નું અંતર કાપશે આ ટ્રેનને દૈનિક ધોરણે દોડાવાશે. અમદાવાદ-મુંબઇ, સાબરમતી-દિલ્હી, સુરત-મુંબઇ અને વડોદરા-મુંબઇ ટ્રેનને દૈનિક ધોરણે દોડાવાશે. રેલવેના અધિકારીઓ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાલમાં ૧૦થી વધારે ખાનગી પાર્ટીઓએ ખાનગી ટ્રેનો દોડાવવામાં રસ દાખવ્યો છે. અત્યારે આ દિશામાં પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. વર્ષ ૨૦૨૩ સુધીમાં દેશના ૧૦૯ રૂટો પર ખાનગી ટ્રેનો દોડતી કરી દેવાશે. મુસાફરોને વર્લ્ડક્લાસ સુવિધા આપવા, ટ્રેનો મોડી પડે તો મુસાફરોને ભાડાની રકમમાંથી કેટલાક પૈસા પાછા આપવા, ટ્રેનો નિયમિત ધોરણે અને સમયસર દોડાવવા સહિતની સુવિઘાઓ મુસાફરોને મળી રહેશે.