વલસાડના દિવ્યાંગ યુવાનના જીવન પર બોલીવૂડ ફિલ્મ બનશે

Webdunia
બુધવાર, 10 જાન્યુઆરી 2018 (14:45 IST)
વલસાડના કચ્છી પરિવારના ૯૦ ટકા દિવ્યાંગ યુવાન પરેશ ભાનુશાળીના બંને હાથની હથેળી નહીં હોવા છતાં, તે પોતાના દરેક કાર્ય પોતાની રીતે કરી શકે છે. તેના પરિવારના સભ્યોના સપોર્ટ અને માતાની સુઝ બુઝને કારણે તે ડી.ફાર્મ સુધીનો અભ્યાસ કરી શક્યો છે. જેનું જીવન અન્ય દિવ્યાંગો માટે પ્રેરણારૃપ બને એ માટે તેના દ્વારા એક ફિલ્મ બનાવાઇ રહી છે. આ ફિલ્મ બાયોપીક બોલીવુડ મુવી ''હાફ લાલટેન'' બનવા જઇ રહી છે. મૂળ કચ્છી અને વલસાડમાં આવીને સ્થાયી થયેલા ભાનુશાળી પરિવારનો પુત્ર પરેશ ભાનુશાળી જન્મથી ૯૦ ટકા દિવ્યાંગ છે. તેની બે હથેળી નહીં હોવા છતાં તેના પરિવારે તેને સ્વાયત્ત બનાવ્યો. પરેશના માતા લક્ષ્મીબેને તેને પોતાની રીતે અભ્યાસ કરતા અને ખાસ કરીને જાતે જ લખતાં શિખવ્યું. આ સિવાય પરેશ પોતાના તમામ કાર્યો જાતે કરી શકે તેવી ટ્રેનિંગ પણ આપી. જેના આધારે પરેશે ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરિક્ષા વિના રાઇટરે આપી પાસ થયો હતો. ત્યારબાદ તેણે ડી.ફાર્મનો કોર્ષ પૂર્ણ કર્યો. અભ્યાસકાળમાં તે પોતાના પરિવાર અને શહેરથી દૂર મહારાષ્ટ્રના પુનામાં બે વર્ષ એકલો રહ્યો અને મહેનત અને ખંતથી અભ્યાસ કર્યો અને આજે પોતાના પગ પર જાતે ઉભો થયો છે. તેના જીવનની આ સફળતા સમગ્ર દેશ અને દુનિયા સામે આવે અને કોઇ પણ દિવ્યાંગ ધારે તો પોતાની રીતે સફળ થઇ શકે એવો સંદેશ આપવા તેના જીવન પર હિન્દી ફિલ્મ બનાવાઇ રહી છે. પરેશના જીવન આધારિત ફિલ્મનું પ્રિ પ્રોડક્શન માર્ચ ૨૦૧૭થી શરૃ થઇ ગયું છે. તેની ફિલ્મમાં બે ગીત પણ રેકોર્ડ થઇ ગયા છે. જેમાં એક ગીત બોલીવુડના જાણિતા સીંગર સોનુ નિગમ સાથે અને બીજું ગીત દિવ્ય કુમાર સાથે રેકોર્ડ થઇ ગયું છે.અને અન્ય ગીત પણ બીજા મોટા સીંગર સાથે રેકોર્ડ થઇ રહ્યા છે. આ સિવાય તેની ફિલ્મ અન્ય બોલીવુડ મુવી જેવી જ જોવા મળશે. આ ફિલ્મનું પ્રોડક્શન પરેશ ભાનુશાળી પોતે જ કરી રહ્યા છે. જ્યારે તેના ડાયરેક્ટર તરીકે તેમણે બોલીવુડના ઉભરતા યુવા ડાયરેક્ટર ગૌરવ મિત્તલને સાઇન કર્યા છે. મ્યુઝિક ડાયરેક્ટર તરીકે રાજ ભરત અને રાઇટર તરીકે સાગર પાઠકને સાઇન કર્યા છે. તેની ફિલ્મની સ્ક્રીપ્ટ લખાઇ ગઇ છે. જેનું શુટિંગ ફેબ્આરી ૨૦૧૮થી શરૃ થઇ રહ્યું છે અને મે મહિનામાં તેની ફિલ્મ રીલીઝ થાય એવી ગણતરી તેઓ લગાવી રહ્યા છે.
 
 

સંબંધિત સમાચાર

Next Article