અમદાવાદમાં ગુજરાત કોલેજની ફરતેના રોડ બંધ કરાતા મતગણતરીના એજન્ટો અટવાયા, 1 કિ.મી દૂર વાહન મુકીને ચાલતા સ્થળ પર આવવું પડ્યું

Webdunia
મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (08:36 IST)
100થી વધુ મતગણતરી એજન્ટોને નિમણૂક પત્ર હોવા છતાં વાહન સાથે પ્રવેશ ન અપાયો
પરિણામ અપડેટ જોવા માટે LED સ્ક્રીન લગાવવામાં આવી
 
અમદાવાદમાં મતગણતરી શરુ થઈ ગઈ છે. પોસ્ટલ બેલેટના મતની ગણતરી શરુ થઈ ગઈ છે. ત્યારે એલ.ડી. કોલેજ તથા ગુજરાત કોલેજની ફરતેના રસ્તા બંધ કરી દેવામા આવ્યાં છે. જેથી મતગણતરીના એજન્ટો અટવાઈ ગયાં છે. 100થી વધુ એજન્ટોને પોતાના વાહનો એક કિલોમીટર દુર મુકીને ચાલતા મત ગણતરી કેન્દ્ર સુધી પહોંચવાનો વારો આવ્યો છે. બંને કેન્દ્રોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.એલ. ડી.કોલેજમાં પ્રવેશ માટેના 2 દ્વારા રાખવામાં આવ્યા છે.જેમાં 1 નંબરનો ગેટ VVIP માટે રાખવામાં આવ્યો છે.2 નંબરના ગેટ પરથી ઉમેદવાર અને તેમના એજન્ટોને પ્રવેશ આપવામાં આવે છે. 
બેરિકેટિંગ કરીને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો
ગુજરાતી યુનિવર્સિટીથી પોલીસ સ્ટેશન જતો માર્ગ બેરિકેટિંગ કરીને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.આ માર્ગ પર ચાલીને આવનાર લોકોને જ પ્રવેશ આપવામાં આવી  રહ્યો છે.યુનિવર્સિટી આસપાસના લારી ગલ્લા પણ બંધ કરાવવામાં આવ્યા છે.2 નંબરના ગેટથી પ્રવેશ મેળવનાર તમામ ઉમેદવાર અને તેમના એજન્ટો ના મોબાઈલ ફોન અને તમામ પ્રકારના ઈલેક્ટ્રીક ઉપકરણો બહાર મૂકવામાં આવી રહ્યા છે.ટુંક જ સમયમાં મતગણતરી પણ શરૂ થશે. ભાજપના ખાનપુર ખાતેના કાર્યાલય ખાતે મતગણતરીની શરૂઆત સમયે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભાજપે કાર્યાલય ખાતે સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ગોઠવી રાખી છે. જેથી સારા પરિણામથી કાર્યાલય બહાર ઉજવણી થઈ શકે.  હાલ કોઈ નેતા કાર્યાલય પર હાજર નથી. 
પરિણામ અપડેટ જોવા માટે LED સ્ક્રીન લગાવવામાં આવી
મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનને લઈ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે. બંને મતગણતરી કેન્દ્ર પર 60થી વધુ સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.
અમદાવાદમાં મતગણતરીની આગલી રાતે હંગામો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આવવાની પૂર્વ રાતે સોમવારે મોડી રાતે ગુજરાત કોલેજના ઇવીએમ સ્ટ્રોંગ રૂમ માં મૂકેલા ઇવીએમ માં ચેડા કરવામાં આવી રહ્યા હોવાની અફવા ફેલાતા કેટલાક ઉમેદવાર અને તેમના ટેકેદારો ગુજરાત કોલેજના મુખ્ય ગેટ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ગુજરાત કોલેજના સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઇવીએમ મશીનમાં ચૂંટણીના પરિણામના પેહલા ચેડા કરી પરિણામો બદલી નાખવા માટે સત્તાધારી પક્ષમાં કેટલાક કાર્યકરો ઇવીએમની પેટીઓ વાહનોમાં નાખીને લઈ ગયા હોવાની અફવા ફેલાતા ચૂંટણી લડી રહેલા ઉમેદવારો તેમના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ગુજરાત કોલેજના ગેટ પર દોડી ગયા હતા અને ગેટ ખોલી અંદર જવા માટે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતાં.
ક્યાં વોર્ડની ક્યાં ગણતરી થશે
એલ.ડી. કોલેજ -
થલતેજ, મકતમપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, રામોલ - હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપૂર, ખાડિયા,જમાલપુર,સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બહેરામપુરા , લંભા, વટવા, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર -રખિયાલ, ગોમતીપુર
ગુજરાત કોલેજ
ક્યાં વોર્ડ - સાબરમતી, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા - હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટ નગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ, અસારવા

સંબંધિત સમાચાર

Next Article