કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે રાવળપીર માંડવી ખાતે આવેલા નવનિર્મિત લાઇટ હાઉસનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના લાઇટ હાઉસીસ અને લાઇટ શિપ્સ વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં અનેક સુરક્ષાના અને વિકાસના કામો કરવામાં આવે છે જે અન્વયે રૂ.4 કરોડના ખર્ચે માંડવીની નજીક આવેલા રાવળપીર મંદિર તીર્થસ્થાન નજીક ૩૧ મીટર ઊંચા તેમજ અદ્યતન તકનીક સાથેના લાઇટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે જે દરિયાઇ માર્ગે પ્રકાશ દ્વારા જહાજોનું માર્ગદર્શન કરશે. જેનું કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતુ કે, શ્યામજી કૃષ્ણા વર્માની આ પ્રવિત્ર ભૂમિને હું વંદન કરું છું. કચ્છના લોકોએ તેમના સુંદર વ્યવહાર થકી અહીંની ભવ્ય સંસ્કૃતિ અને સભ્યતાની ઝાંખી કરાવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને એક તાંતણે જોડીને દરેક વર્ગને નવો ઉત્સાહ અને તાકાત આપીને તેમના નેતૃત્વમાં ઉઠીને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી છે. તેમણે દ્રઢ મનોબળ, સહયોગ અને નૂતન દિશાદર્શન થકી નોર્થઇસ્ટ જેવા અનેક પછાત ગણાતા વિસ્તારોને વિશ્વના નકશા પર ઊજાગર કર્યા છે.
લાઇટ હાઉસની વાત કરતાં તેમણે જણાવ્યું હતુ કે આ લાઇટ હાઉસ ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. આવી જ રીતે દ્વારકા, વેરાવળ સહિત ત્રણ લાઇટ હાઉસ નિમાર્ણધીન છે અને કુલ ૨૦ લાઇટ હાઉસને ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ગુજરાતમાં વિકસાવવામાં આવશે. આવા લાઇટ હાઉસ થકી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે.
આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, ડાયરેકટર જનરલ ઓફ લાઇટ હાઉસીંસ એન્ડ લાઇટશીપ્સ એમ.મુર્ગનંદન, ડી.જી.એલ.એલ.ના રામપ્રકાશન. માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ડી.પી.ટી.ના ચેરમેન સંજય મહેતા તેમજ ડી.જી.એલ.એલ.ડેપ્યુટી ડાયરેકટર ધર્મવીર શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા