ભાજપના પ્રમુખ સીઆર પાટીલ રવિવારે રાજકોટની ટૂંકી મુલાકાતે આવ્યા હતા, કાર્યકરોને સંબોધતી વખતે પાટીલે કહ્યું હતું કે, જે કોઇ હોદ્દેદાર કે પદાધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય તો તેની ખાનગીમાં માહિતી આપો, હું જાતે તેની તપાસ કરાવીશ અને સાબીત થશે તો તે વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે અને તેને ટિકિટ પણ આપવામાં આવશે નહી, માહિતી આપનાર કાર્યકરનું નામ પણ ગુપ્ત રાખવાની તેમણે ખાત્રી આપી હતી.હેમુગઢવી હોલ ખાતે યોજાયેલા કાર્યકર મિલનમાં પાટીલે આગામી વિધાનસભાની ચૂંટણી માટે સજ્જ થઇ જવા કાર્યકરોને હાંકલ કરી હતી, ગત વિધાનસભાની ચૂંટણીમાં 24 બેઠકો પર માત્ર 5000થી ઓછી લીડથી જીત મળી હતી તેને ચિંતાજનક ગણાવી લોકસંપર્ક શરૂ કરી દેવા પણ તાકીદ કરી હતી. રાજકોટમાં નવા બની રહેલા ભાજપના કાર્યાલયની પણ પાટીલે સાઇટ વિઝીટ લીધી હતી, ત્યારબાદ તેમણે મિડીયા સમક્ષ કહ્યુ હતું કે, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ હતા ત્યારે તેમણે દેશના તમામ જિલ્લામાં ભાજપ કાર્યાલય હોય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી, જેના ભાગરૂપે રાજકોટ શહેરમાં શિતલપાર્ક નજીક નવું કાર્યાલય બની રહ્યુંછે જે દેશમાં ભાજપનું સારામાં સારૂ કાર્યાલય બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હજુપણ તેમના રાજકારણમાં સક્રિયતા અંગે રહસ્ય સર્જી રાખ્યુંછે ત્યારે રવિવારે એક જીમના ઉધ્ઘાટનમાં અને પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયા આયોજીત સમુહ લગ્નમાં નરેશ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ એકમંચ પર આવ્યા હતા, જે અંગે પણ અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ સાથે કાર્યક્રમમાં હાજરી અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, સામાજીક કાર્યક્રમ હોવાથી પોતે આવ્યા હતા, અને રાજકારણમાં સક્રિય થવા અંગે વધુએક વખત મુદત પાડીને અઠવાડીયામાં આ અંગેનો નિર્ણય જાહેર કરશે.