અમદાવાદ એરપોર્ટ પર ‘ધ ગીર’નું નિર્માણ

Webdunia
મંગળવાર, 26 જૂન 2018 (17:41 IST)
એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલ પર ‘ધ ગીર’નું નિર્માણ કર્યું છે, જેની સંકલ્પના અને અમલીકરણ રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીની મદદથી કરવામાં આવ્યું. ‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટનું અનાવરણ પરિમલ નથવાણી તથા લોકસભા સાંસદ પરેશ રાવલના હસ્તે સંયુક્ત રીતે કરવામાં આવ્યું. 

આ પ્રોજેક્ટ લગભગ 11,000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ, અજગર, વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. પ્રસિધ્ધ ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે તેથી જ એરપોર્ટ પર મૂકવામાં આવેલી પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સૂકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીર પ્રતિકૃતિ પારદર્શી કાચની પેનલોમાંથી ડોમેસ્ટીક ટર્મિનલ પર અરાઇવલ અને ડિપાર્ચર એમ બંને વિભાગમાંથી જોઇ શકાય છે. અરાઇવલ લોંજમાં રાખવામાં આવેલા ઇન્ટરએક્ટિવ મીડિયા ઉપકરણથી ગીરના જંગલમાં સાંભળવામાં મળતી સિંહની ત્રાડ અને પક્ષીઓના અવાજને કારણે અદ્દલ ગીર જંગલનું તાદૃશ્ય વાતાવરણ ઊભું થયું છે.
 

“શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એશિયાટીક સિંહોના એકમાત્ર રહેઠાણની ઝાંખી પૂરી પાડવા માટે ગીરની પ્રતિકૃતિ તૈયાર કરવાનો વિચાર કરવામાં આવ્યો. ગુજરાત ઉપરાંત અન્ય શહેરો અને દેશોના ઘણાં લોકોએ ગીર વિશે સાંભળ્યું તો હશે પરંતુ તેની મુલાકાત લઈ શક્યા હશે નહીં. અમે આશા રાખીએ છીએ કે આ પ્રતિકૃતિ લોકોમાં ગીરના વન્યજીવો પ્રત્યે રસ પેદા કરશે અને તેમને ગીરની રૂબરૂ મુલાકાત લેવા માટે પ્રોત્સાહન આપશે,” એમ રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ, પરિમલ નથવાણીએ જણાવ્યું હતું. 

“એશિયાટીક સિંહ રજવાડી પ્રાણી છે. કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર તે કોઈની પર હુમલો કરતા નથી કે કોઇને હાનિ પહોંચાડતા નથી. આ સૌંદર્યીકરણ પ્રોજેક્ટમાં પણ જ્યારે સિંહ-પક્ષીઓના પ્રતિકો પર હાથ લગાવવામાં આવે ત્યારે જ સિંહની ત્રાડ અને અન્ય પ્રાણીઓના અવાજ સાંભળવા મળશે. આ ગીરના જંગલની તાદૃશ્ય અનુભૂતિ કરાવે છે,” એમ નથવાણીએ જણાવ્યું હતું. 

સંબંધિત સમાચાર

Next Article