મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યકિતઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન મળી રહે તેવી અનોખી માનવીય સંવેદના સાથે વડીલ વંદના કરી છે.
વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યકિતઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે. આ હેતુસર સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે.