વડાપ્રધાન મોદી આગામી 17મી જાન્યુઆરીએ નવી સરદાર પટેલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરવા માટે અમદાવાદ પધારી રહ્યાં છે ત્યારે તેમની સભા પૂર્વે કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ બ્રાન્ચને આપેલા ત્રણ વિકલ્પથી ફ્લાવર શોનો પ્રવેશ અને બહાર નિકળવાનો માર્ગ મુલાકાતીઓ માટે બદલાઈ શકે છે. મોદી નવી વી.એસ.હોસ્પિટલનું લોકાર્પણ કરે તે પછી 2500 લોકો હાજર રહે તે રીતે સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે માટે સભાસ્થળ નક્કી કરવા માટે સમીક્ષા કરવામાં આવી રહી છે. સભાસ્થળ નક્કી કરવા માટે મળેલી એક બેઠકમાં મ્યુનિ.પાસે સભા ક્યાં કરવી તેના સ્થળો અંગે પૃચ્છા કરવામાં આવી હતી. પરંતુ આ દિવસો દરમિયાન શોપિંગ ફેસ્ટિવલ અને ફ્લાવર શૉ હોવાના કારણે ત્રણ અલગ અલગ સભા સ્થળો સૂચવવામાં આવ્યા છે. સુરક્ષા પોઈન્ટ ઓફ વ્યૂથી ત્રણેય સ્થળોની ચકાસણી કરીને કોઈ એક સ્થળ ફાઈનલ કરવામાં આવશે. પરંતુ નવી વીએસ હોસ્પિટલની પાછળ જ્યાંથી ફ્લાવર ગાર્ડન શરૂ થાય છે ત્યાંથી ઈવેન્ટ સેન્ટર સુધી ફ્લાવર શૉનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જુદા જુદા ત્રણ સ્થળેથી એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવે છે જેથી જો ઈવેન્ટ સેન્ટર ખાતે સભાનું આયોજન ગોઠવવામાં આવે છે તો ફ્લાવર શૉની એન્ટ્રી એક્ઝિટ બદલવી પડશે. અને આ શક્યતા હોવાના કારણે હાલ મ્યુનિ. દ્વારા ફ્લાવર શૉની ડિઝાઈન બદલવા મથામણ ચાલી રહી હોવાનું ઉચ્ચ સૂત્રોનું કહેવું છે.