સુરતના રઘુવીર સેલ્યુમ ટેક્સટાઈલ માર્કેટમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી છે. આગની જાણ થતાં 6 થી વધુ ફાયરફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. વહેલી સવારે લાગેલી આગના કારણે વેપારીઓ અને કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અનુમાન અનુસાર આ આગ શોર્ટ સર્કિટથી લાગી હતી. આગ લાગવાના લીધે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
સુરતના રઘુવીર માર્કેટમાં લાગેલી આગ અંગે ફાયરબ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતુંકે, આગ બીજા માળથી છઠ્ઠા માળ સુધી પ્રસરી રહી હોવાનું જાણવા મળ્યું છે. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી રહી છે. બીજાથી લઈને છઠ્ઠા માળ સુધી આગના ધૂમાડા ફેલાઈ રહ્યાં છે. આગ પ્રસરી રહી હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા કાચ તોડીને ધૂમાડાને બહાર કાઢીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે દુકાનમાં છત પર લગાવવામાં આવેલા સિલીંગને પણ તોડીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આગ સવારના સમયે લાગી હોવાથી લોકો ઓછા પ્રમાણમાં હતા. આ તમામ લોકોને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. લોકોના ટોળાને કાબૂમાં રાખવા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.