ખેડૂત કુટુંબને મળશે મહત્વનો લાભ, ખેતી ખર્ચમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ્ય

Webdunia
સોમવાર, 4 ઑક્ટોબર 2021 (19:32 IST)
સરકારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેનો ઉદ્દેશ ખેતી ખર્ચમાં ઘટાડો કરવો અને ઉત્પાદન વધારવાનો છે. આ અંતર્ગત ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂ. 900 (રૂ. 10,800ની વાર્ષિક મર્યાદા)માં સહાય આપવામાં આવે છે.
 
હાલમાં પ્રાકૃતિક ખેતી પર અનેક સંશોધનો થયા છે. ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે આત્મા પ્રોજેક્ટ થકી ખેડૂતોને તેની સમજ અને તેની રીત શીખવવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજસંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ, વધારે ભાવ, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
 
આઈડેન્ટીફીકેશન ટેગ ધરાવતી એક ગાય ધરાવતા ખેડૂતો પોતાની ખેતી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ મુજબ કરે તો ગાયદીઠ નિભાવ ખર્ચ પેટે દર મહિને રૂા.900  એટલે કે વાર્ષિક મહત્તમ રૂા. 10,800  આપવાની તથા પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી, પાકની વૃદ્ધિ માટે જરૃરી ઈનપુટ બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી જાતેજ બનાવવા જેવી કે, જીવામૃત, ધનજીવામૃત, બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર, સપ્ત ધાન્યાકુર અર્ક, દશપરણી અર્ક, અગ્નિસ્ત્ર ઈનપુટ બનાવવા માટે લાભાર્થીને પ્રાકૃતિક કૃષિ કીટમાં (જેમાં 200  લી. ઢાંકણા વગરનું ડ્રમ, 10  લી.ના બે પ્લાસ્ટિકના ટોકર (ટબ), 10 લી. એક પ્લાસ્ટિકની ડોલ) પ્રતિ કીટના થનાર ખર્ચના 75%  અથવા રૂા. 1350 પૈકી જે રકમ ઓછી હશે તે મુજબની ખેડૂત દીઠ સહાય મળવાપાત્ર થશે. અરજી કરવા માટે ખેડૂત લાભાર્થીએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી તેની પ્રિન્ટ આઉટ મેળવી અરજદારે તેની ઉપર સહી/અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે 8 -નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક તેમજ બેંક પાસ બુકની નકલ/રદ કરેલ ચેક સાથે જે તે ગ્રામ સેવક/આત્મા સ્ટાફને રજુ કરવાનું રહેશે તેમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી શાખાની યાદી દ્વારા જણાવેલ છે.

સંબંધિત સમાચાર

Next Article