તહેવારોના દિવસો દરમિયાન ગુજરાતના આ પ્રવાસન સ્થળોની અધધ લોકોએ લીધી મુલાકાત, દેશ-વિદેશ પ્રખ્યાત બન્યા ગુજરાતના પ્રવાસન સ્થળો

Webdunia
બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (10:00 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં વિકસાવવામાં આવેલા રાજ્યના મોસ્ટ પ્રિફર્ડ  ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે. વડાપ્રધાનની પ્રેરણા થી નિર્માણ થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સાયન્સ સીટી, ગિરનાર રોપ-વે અને શિવરાજપુર બીચ ખાતે તાજેતરમાં રજાના દિવસોમાં અભૂતપૂર્વ સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લઇ રાજ્ય સરકારે વિકસાવેલી અત્યાધુનિક પ્રવાસન સુવિધાઓનો લાભ ઉઠાવ્યો હતો. 
 
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં પ્રવાસન વિકાસ પ્રવૃત્તિઓથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ-મુલાકાતીઓ આકર્ષીત થયા છે.  સુવિધા સભર બનેલા  આ પ્રવાસન સ્થળોએ જન્માષ્ટમીના તહેવારોમાં તારીખ ૨૮, ૨૯ અને ૩૦ ઓગસ્ટ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ મુલાકાત લઇ સાતમ-આઠમ તહેવારોની ઉજવણીનો આનંદ માણ્યો હતો.
 
નર્મદા જિલ્લાના કેવડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલી લોહ પુરુષ સરદાર સાહેબ ની વિશ્વની સૌથી ઉંચી  પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૮ ઓગસ્ટના રોજ ૨૩,૯૦૭ પ્રવાસીઓ ૨૯ ઓગસ્ટના રોજ ૪૦,૯૧૪ અને ૩૦ ઓગસ્ટના રોજ ૨૭,૩૪૩ એમ કુલ ૯૨,૧૬૪ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તાજ મહેલ કરતાં પણ વધુ પ્રવાસીઓ વર્ષ દરમ્યાન અહિં મુલાકાતે આવતા થયા છે. 
 
કેવડિયા ખાતે આવેલા ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, વ્યુઇંગ ગેલેરી, ગ્લો ગાર્ડન, જંગલ સફારી, એકતા નર્સરી, કેક્ટસ એન્ડ બટરફ્લાય ગાર્ડન, પેટ ઝોન, નૌકાવિહાર, ઈલેક્ટ્રીક સાયકલિંગ, રિવર રાફ્ટિંગ વગેરેનો પણ આનંદ મોટી સંખ્યામાં ઉમટેલા સહેલાણીઓએ ઉઠાવ્યો હતો.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિઝન હેઠળ અમદાવાદ સાયન્સ સીટીને વધુ આધુનિક અને આકર્ષક બનાવવામાં આવ્યું છે. બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓને ગમ્મતની સાથે જ્ઞાન મળે તેવા આશયથી વિકસાવવામાં આવેલા રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી, આઇ-મેક્સ થિયેટર, ફાઇવ-ડી થિએટર, અર્થક્વેક રાઇડ, મિશન ટૂ માર્સ રાઇડ જેવા વિશ્વસ્તરીય સ્થળો લોકોને આકર્ષવામાં સફળ રહ્યા છે.
 
અમદાવાદ સાયન્સ સીટીની ૨૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમિયાન કુલ ૧૦,૯૯૬ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ ત્રણ દિવસો દરમિયાન સાયન્સ સિટીની મુલાકાતની ટિકીટની આવક ૩૫,૫૬,૯૧૦ થઇ છે. આ ત્રણ દિવસ દરમિયાન વિશેષત: બાળકો અને વિદ્યાર્થીઓએ સાયન્સ સિટિની ગમ્મત સાથે જ્ઞાન પિરસતી ગેલેરીઝની મજા માણી હતી. જેમાં ૧૦,૨૩૬ લોકોએ એક્વેટીક ગેલેરી, ૨,૮૦૬ લોકોએ રોબોટીક ગેલેરી અને ૧,૪૦૩ લોકોએ એક્વેટીક ફાઇવ ડી થિએટરની મુલાકાત આ ત્રણ દિવસો દરમિયાન લીધી હતી.   
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શનમાં તૈયાર થયેલા ગીરનાર રોપ-વે સુવિધા પણ ગત દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહી છે. ગીરનારની ટોચ પર સહેલાઇથી પહોંચી ધાર્મિક સ્થળોએ દર્શન કરી શકે અને આભને આંબતા આ પર્વતાધિરાજનું કુદરતી સૌંદર્ય માણી શકે તે માટે આ રોપ-વે એક અનેરૂં આકર્ષણ બન્યો છે. 
 
જુનાગઢ ખાતે આ રોપ-વે થી ૨૮ ઓગસ્ટના રોજ ૪,૮૬૧ પ્રવાસીઓ ૨૯ ઓગસ્ટના રોજ ૭,૪૫૯ અને ૩૦ ઓગસ્ટના રોજ ૮,૫૦૩ એમ કુલ ૨૧,૧૨૩ પ્રવાસીઓએ મુલાકાત લઇ ગીરનારના પવિત્ર ધામોની મુલાકાત લઇ પ્રભુ દર્શનની સાથે સાથે પ્રકૃતિ દર્શનનો પણ લ્હાવો લીધો હતો. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે દ્વારિકાના શીવરાજપુર બીચના વિકાસ માટે પણ સતત માર્ગદર્શન આપતા રહ્યાં છે તેઓએ તાજેતરમાં જ ‘એશિયાનો એકમાત્ર બ્લ્યુ બીચ’ તરીકે સુવિખ્યાત શીવરાજપુર બીચની મુલાકાત લઇ ત્યાંના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. 
 
તાજેતરના તહેવારોની રજાના દિવસોમાં દ્વારિકાના શીવરાજપુર બીચ ખાતે ૨૮ ઓગસ્ટના રોજ ૩,૧૦૦ પ્રવાસીઓ ૨૯ ઓગસ્ટના રોજ ૮,૭૬૪ અને ૩૦ ઓગસ્ટના રોજ ૯,૫૦૦ એમ કુલ ૨૧,૩૬૪ પ્રવાસીઓએ મુલાકાત લીઇ ઉજાણી કરી હતી અને વધુ પ્રવાસન સુવિધાઓ વિકસાવવા માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં પારંપરિક પ્રવાસન સ્થળો સાથે હવે આ નવા પ્રવાસન આકર્ષણ કેન્દ્રો પણ પ્રવાસીઓ માટે મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન બની રહ્યા છે. 
 
આ બધા જ સ્થળોના સર્વગ્રાહી પ્રવાસન વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સતત માર્ગદર્શન અને પ્રેરણાથી સંબંધિત વિસ્તારમાં નવા-નવા આકર્ષણો સુવિધાઓ ઉમેરાતા રહે છે. જેની ફળશ્રુતિરૂપે આ સ્થળોએ ખાસ કરીને રજાઓના દિવસોમાં વિશાળ સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા થયા છે. એટલું જ નહી, મુખ્યમંત્રીના દિશા-નિર્દેશનમાં સાયન્સ સિટીમાં પણ આબાલવૃદ્ધ સૌને જ્ઞાન-વિજ્ઞાનની રોમાંચકતાનો પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તેવી ટેકનોલોજીસભર અદ્યતન સુવિધાઓ-ગેલેરી રાજ્ય સરકારે વિકસાવી છે તેનો પણ મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓ લાભ લેતા થયા છે.
 
રાજ્યના પ્રવાસન સ્થળોને અત્યાધુનિક અને વિશ્વકક્ષાની સુવિધાથી સજ્જ બનવાના પગલે અનેક્વિધ પ્રવાસન આકર્ષણ કેંદ્રો ઉમેરાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાયન્સ સીટી, ગિરનાર રોપ-વે અને શિવરાજપુર બીચ ભારતભરમાં પ્રખ્યાત બન્યા છે અને ગુજરાત સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ આ પ્રવાસન સ્થળોની મુલાકાતે મોટી સંખ્યામાં આવતા થયા છે.

સંબંધિત સમાચાર

Next Article