ગુજરાતના આ 23 સ્થળોએ ન્હાવા જતા નહીં, જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો

Webdunia
શુક્રવાર, 7 જૂન 2024 (12:22 IST)
ગુજરાતમાં વેકેશનનો સમય હોવાથી લોકો નજીકના કુદરતી સ્થળોએ ફરવા જવાનું વધારે પસંદ કરતાં હોય છે. દરિયામાં કે નદીમાં ન્હાવા માટે લોકો વધારે ઉત્સુક હોય છે. છેલ્લા એક મહિનામાં રાજ્યમાં ડૂબી જવાની ઘટનાઓ પણ વધી રહી છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વડોદરા જિલ્લામાં એક મહિનામાં 20 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. જિલ્લામાં કલેક્ટર દ્વારા જોખમી સ્થળો શોધીને ત્યાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરાના વિવિધ 23 સ્થળો પર ન્હાવા પર પ્રતિબંધ મૂક્યો છે. 
 
વિવિધ 23 સ્થળો પર નહાવા પર પ્રતિબંધ લગાવાયો
વડોદરાના કલેક્ટર બીજલ શાહે જોખમી સ્થળો શોધી ત્યાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વિવિધ 23 સ્થળો પર નહાવા પર પ્રતિબંધ લગાવાયો છે. વાઘોડિયા, ડભોઇ, વડોદરા ગ્રામ્ય, પાદરા, શિનોર, સાવલી અને કરજણના જાહેર સ્થળો જોખમી હોવાથી પ્રતિબંધ મૂકાયો છે. વાઘોડીયા તાલુકામાં નર્મદા મેઈન કેનાલ (ડુમા ગામ), દેવ નદી (વ્યારા), હનુમાનપુરા ગામનું તળાવ, કોટંબી તળાવ અને તરસવા ગામ બસ સ્ટેશન પાછળ આવેલા નાળાને જોખમી સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ડભોઈ તાલુકામાં કુલ સાત સ્થળોને જોખમી જાહેર કરી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જેમાં નર્મદા મેઈન કેનાલ (તેનતલાવ), નર્મદા માઈનોર કેનાલ (કુંઢેલા), અંબાવ ગામનું તળાવ, પલાસવાડા ગામનું તળાવ, ઓરસંગ નદી (વડદલી અને ભાલોદરા ગામ), અંગુઠણ નારીયા રોડ પાસે આવેલા કૂવાની સામે આવેલો સરકારી કાંસનો ઊંડો ખાડાનો સમાવેશ થાય છે.
 
જાહેરનામું પ્રસિદ્ધ કરી તંત્રની કચેરીઓમાં જાણ કરાઈ
વડોદરા ગ્રામ્યમાં કુલ ચાર સ્થળોને જોખમી જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચેક ડેમ, સિંધ રોટ, મહીસાગર નદીના પાણીમાં (સિંધ રોટ), મહીસાગર નદી (કોટણા અને અનગઢ ગામ), ફાજલપુર બ્રિજ, મહી નદી (સાંકરદા ગામ)નો સમાવેશ થાય છે. આવી જ રીતે પાદરા તાલુકાના કુલ ત્રણ જોખમી સ્થળ/વિસ્તારમાં મુજપર બ્રિજ, મહી નદી (મુજપુર), અંબાજી માતા તળાવ (પાદરા ગામ), મહીસાગર નદી તટ (ડબકા)નો સમાવેશ થાય છે.આ સિવાય શિનોર તાલુકામાં દિવેર ગામે મઢીએ (દિવેર); સાવલી તાલુકાના લાંછનપુર અને કનોડા મહીસાગર નદીનો પટ્ટ (પોઈચા)તેમજ કરજણ તાલુકાના નારેશ્વર ઘાટ, નર્મદા નદી (લીલોડ અને સાયર ગામ)ને જોખમી સ્થળ/વિસ્તાર જાહેર કરી પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે નદી અને તળાવોમાં ન્હાવાને લઈને પ્રતિબંધ લગાવ્યો છે. ડભોઇ વાઘોડિયા શિનોર અને સાવલીમાં આવેલી નદીમાં ન્હાવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. નદી અને તળાવોમાં યુવાનો ડૂબવાના કિસ્સા ઓને લઈને આ નિર્ણય લેવાયો છે. આ સાથે જ જાહેરનામું પ્રસિદ્ધ કરી તંત્રની કચેરીઓમાં જાણ કરાઈ છે.

સંબંધિત સમાચાર

Next Article