વડોદરાની MS યુનિવર્સિટીમાં વિરોધપ્રદર્શન કરનારા 31 વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો, પોલીસને લાફા મારનારા બે સામે ફરિયાદ

Webdunia
સોમવાર, 9 મે 2022 (09:31 IST)
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો મામલે થયેલા વિવાદમાં શનિવાર સાંજે વિરોધ પ્રદર્શન કરી રહેલા ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ સહિત 31 સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તો બીજી તરફ ત્રણ દિવસ પહેલા એમ.એસ.યુનિવર્સિટી ખાતે ચિત્રો અંગે વિવાદ થતાં ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે પોલીસકર્મીને બે-ત્રણ લાફા ઝીંકી દેનાર સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વડોદરાની એમ.એમ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે ત્રણ દિવસ પહેલાં એન્યુઅલ શોમાં દરમિયાન સ્કલ્પચર વિભાગમાં અભ્યાસ કરતા કુંદન યાદવ નામના વિદ્યાર્થીએ તેના આર્ટવર્ક મૂક્યા હતા, જેમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો અખબારોના પાનાઓમાંથી કટિંગ કરીને બનાવવામાં આવ્યા હતા. આ ચિત્રોમાં અખબારના પાનાઓ હતા. તેમાં વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસ સહિતના દુષ્કર્મના સમાચારોના પેપર કટિંગનો ઉપયોગ થયો હતો. સાથે અશોક ચક્રનું પણ અપમાન થતું હોવાનું જોવા મળ્યું હતું. જેથી હિન્દુ સંગઠનો સહિતના લોકોની લાગણી દુભાઇ હતી અને ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે આર્ટ શો બંધ કરાવી દેવામાં આવ્યો હતો. તેમજ ફેકલ્ટીના ડીનને પદેથી હટાવવા અને આર્ટ વર્ક બનાવનાર વિદ્યાર્થીને રસ્ટિકેટ કરવા માટે માંગણી કરવામાં આવી તેમજ ત્યાં ઘર્ષણ સર્જાયું હતું.5 મેના રોજ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે હંગામો થતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભરતભાઇએ શાંતિ જાળવવા અને ટોળાને વિખેરાઇ જવા સૂચનો આપ્યા હતા. ત્યારે કાર્તિકભાઇ ઘનશ્યામભાઇ જોષી (રહે. વિજયનગર, તરસાલી, વડોદરા) અને ધ્રુવ હર્ષદભાઇ પારેખ (રહે. ભક્તિસાગર સોસાયટી, મકરપુરા, વડોદરા) એ તમે અમને કહેનાર કોણ છો કહીને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા. આ મામલે આજે 8 મે ના રોજ પોલીસકર્મીએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સંબંધિત સમાચાર

Next Article