કોરોના સંક્રમણને લઇને રાજકોટ જેલમાંથી આજે 47 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. ભરણપોષણના 36 કેદીઓ અને માઇનોર ગુનાના કાચા કામના 11 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જેલના 70થી વધુ કેદીઓએ જામીન માટે અરજી કરી હતી. અરજી લોકડાઉનના પગલે જેલ તંત્ર દ્વારા કેદીઓને તેના ઘર સુધી સરકારી વાહનમાં પહોંચાડવામાં આવ્યા હતા. સાથે જ કેદીઓને બીએપીએસના સહયોગથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાસન કીટ આપવામાં આવી હતી. ગત તા. 14 થી 20 માર્ચ, 2020 દરમિયાન નોઈડા અને દિલ્હીના કોરોના હોટ સ્પોટ એરિયામાં લોકેશન ધરાવતાં 29 જેટલા લોકો રાજકોટમાં પાછા આવ્યા છે. કમિશનર ઉદિત અગ્રવાલની સુચના મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય સ્ટાફે રાત્રી દરમિયાન જ કામગીરી હાથ ધરી આ તમામ 29 લોકોની ઓળખ કરી લીધી છે. ઉપરાંત આ 29 પૈકી એક પણ વ્યક્તિને કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યા નથી. વાંકાનેરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધને કોરોના શંકાસ્પદ જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધના લોહીના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. પંરતુ રિપોર્ટ આવે તે પહેલા જ વૃદ્ધનું મોત નીપજ્યું છે. આજે સાંજે તેનો રિપોર્ટ આવશે.