સુરતમાં નકલી ‘ટોસિલિઝૂમેબ’ ઇન્જેક્શનના રાજ્યવ્યાપી કૌભાંડ મામલે બોડી બિલ્ડર હર્ષ ઠાકોર અને અમદાવાદના સુભાષબ્રીજ પાસે કેમિસ્ટની દુકાન ધરાવતાં બે સગાભાઈ સહિત પાંચ લોકો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનવા સોંપવામાં આવી છે. આ કેસમાં હજી સુધી પોલીસે માત્ર ફરિયાદ નોંધી છે અને હર્ષ તેમજ નિલેશની અટકાયત કરી છે જો કે કોઈની ધરપકડ કરવામા આવી ન હોવાનું પોલીસ જણાવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચમાં કેસની તપાસ સોંપવામાં આવતા આગામી દિવસોમાં તપાસમાં કોઈ તથ્ય બહાર આવે છે કે પછી ઢાંકપીંછોડો થાય છે તેના પર સવાલ છે. અમદાવાદમાં નકલી "ટોસિલિઝૂમેબ" ઇન્જેક્શન વેચવા મામલે ચાંદખેડાના હર્ષ ઠાકોરે જ કૌભાંડ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવી રહ્યું છે. હર્ષ પાલડીમાં પ્રોટીન હાઉસ ધરાવતા નિલેશ લાલીવાલાએ સ્ટીરોઈડ ઇન્જેક્શન ખરીદ્યા હતા અને આ બધા ઇન્જેક્શન સુભાષબ્રીજ ખાતે "મા" ફાર્મસી નામની દુકાનના માલિક આશિષ શાહ અને અક્ષય શાહને વેચ્યા હતા. સુરતથી સોહેલ પાસેથી નિલેશે અને નિલેશ પાસેથી હર્ષે બોડી બિલ્ડીંગ માટેના ઇન્જેક્શન ખરીદી કોરોનાની સારવાર માટેના "ટોસિલિઝૂમેબ" ઇન્જેક્શનના નામે મા ફાર્મસીના અક્ષય અને આશિષ શાહને વેચ્યા હતા.