ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. જેને કારણે સરકારી તંત્ર પણ ચિંતામાં છે અને કોરોના વેક્સીનેશન ને ઝડપી બનાવવાની સાથે સાથે હોસ્પિટલોમાં પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જે રીતે કેસ વધી રહ્યા છે જેને જોતા ત્રીજી લહેર આવી શકે છે.
વડોદરામાં આજે છેલ્લા 36 કલાકમાં 11 નવા કેસ આવ્યા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 72,539 પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 71,821 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે. જો કે વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસો ઘટતા જાય છે. બીજી તરફ બે દિવસમાં કોરોનાની સારવાર લઇ રહેલા 32 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જેના પગલે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. મંગળવારે શહેરમાં 11 નવા કેસ આવ્યા હતા. ગોત્રી, નવાયાર્ડ, ગોકુલનગર, ફતેપુરા, દિવાળીપુરા અને નવી ધરતીમાં નવા કેસો આવ્યાં હતા. હાલમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 95 જેટલી છે. જેમાં 2ની ઓક્સિજન પર અને 2ની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. પશ્ચિમ ઝોનમાં 7 અને ઉત્તર ઝોનમાં 4 નવા કેસ આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ મ્યુકોરમાઇકોસિસના કેસો પણ હવે ભાગ્યે જ આવી રહ્યાં છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં 4 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર લઇ રહ્યાં છે.
અમદાવાદમાં 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે શૂન્ય કેસ રહ્યો છે. શહેર અને જિલ્લામાં 10 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 157મા દિવસે શહેરમાં એક પણ મોત થયું નથી. અગાઉ 27 નવેમ્બર સુધી સતત એક અઠવાડિયા સુધી જિલ્લામાં શૂન્ય કેસ હતો. જ્યારે 5 ડિસેમ્બર સુધી સતત 6 દિવસ શૂન્ય કેસ રહ્યા હતા.
સુરતમાં ઓમિક્રોનના બે કેસ થતા પાલિકા સતર્ક બની છે. કાપડ અને હીર બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. મંગળવારે કોરોનાના વધુ 12 કેસ સિટીમાં નોંધાયા છે. જ્યારે જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.આજે કુલ 160 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 87 નવા કેસ નોંધાયા છે. જ્યારે 73 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 33 નવા કેસ નોંધાયા છે. 2 શહેર અને 25 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે રાજકોટ શહેર અને વલસાડમાં કોરોનાથી 1-1 દર્દીનું મોત થયું છે. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.71 ટકા રહ્યો છે.
કોઇ વિદ્યાર્થી પોઝિટિવ આવે તો સ્કૂલે કોન્ટેક્ટ લિસ્ટ તૈયાર કરવુ પડશે
ડીઇઓ કચેરી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી જણાવ્યું છે કે, શાળામાં કોઇ વિદ્યાર્થી,શિક્ષક કે અન્ય કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવે તો તે અંગેની જાણ તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર અને ડીઇઓ કચેરી ખાતે જાણ કરવી પડશે. શાળામાં પ્રવેશ સમયે કોઇ વિદ્યાર્થી શંકાસ્પદ લક્ષણો ધરાવે તો વાલીનો સંપર્ક કરી ડોકટરનો સંપર્ક કરવાની તાકીદ કરાઇ છે. કોરોના પોઝેટિવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થી તેમજ અન્ય વ્યક્તિઓનું કોન્ટેકટ લિસ્ટ તૈયાર કરીને આરોગ્ય વિભાગને સોંપવાનું રહેશે. જો કોઇ શાળા કોવિડ-19 અંગેની એસઓપીનું પાલન કરવામાં ચૂક કરશે તે શાળાઓ સામે એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ફરજ પડશે.