મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ચાયના એસોસિયેશન ઑફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝીઝ વચ્ચે ગુજરાતમાં રોકાણોને વ્યાપકપણે પ્રેરિત કરવા અંગેના બે મહત્વપૂર્ણ MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. ધોલેરા સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (SIR)ની SPV ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ અને CASME વચ્ચે થયેલા આ MoU અંતર્ગત રૂ. 10,500 કરોડના સંભવિત મૂડીરોકાણ સાથે ધોલેરામાં ચાયના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આગામી દિવસોમાં શરૂ કરાશે. આ પાર્કમાં પ્રદૂષણ રહિત અને હાઇ ટેકનોલોજીયુકત ઊદ્યોગો ચાયનાના ઊદ્યોગકારો શરૂ કરશે અને પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ મળીને કુલ 15 હજાર જેટલા યુવાઓને સ્થાનિક સ્તરે રોજગાર અવસર પણ મળતા થશે. આ MoU ઉપર મુખ્યમંત્રીના અગ્રસચિવ અને ઊદ્યોગ અગ્રસચિવ એમ. કે. દાસ તેમજ CASME ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ગૃપના વાઇસ પ્રેસિડેન્ટ વૈન્ડોંગ યીને હસ્તાક્ષર કર્યા હતા.ચાયનાના રાષ્ટ્રપતિ ઝિન પીંગની 2014માં ગુજરાત મૂલાકાત અને 2015માં ગુજરાતના એક હાઇલેવલ ડેલિગેશનની ચાયના મૂલાકાતની ફલશ્રુતિ રૂપે ચાયનાના ઉદ્યોગકારો ગુજરાતમાં મોટાપાયે રોકાણો માટે પ્રેરિત થયેલા છે. આ MoUને પરિણામે હવે ચાયનાના મધ્યમ અને નાના ઉદ્યોગોને પણ ગુજરાતમાં રોકાણની તકો મળતી થવાની છે. મુખ્યપ્રધાનએ આ MoU વેળાએ ચાયનીઝ ડેલિગેશનને ગુજરાતમાં મોટા પાયે આવી રહેલા FDI સંદર્ભમાં જણાવ્યું કે, આગામી ર૦રર સુધીમાં ચાયનીઝ ઉદ્યોગકારો પોતાના પ્લાન્ટ-એકમોની જરૂરી પ્રોસેસ પૂર્ણ કરી રાજ્યમાં ઉત્પાદન શરૂ કરી પ્રોત્સાહનોનો લાભ મેળવે તે સમયની માંગ છે. આજે થયેલા MoU અન્વયે CASME ઇન્વેસ્ટમેન્ટ ગૃપ ધોલેરા SIRને મેજર ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે ચાયનીઝ ઊદ્યોગો માટે પ્રમોટ કરશે. ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લીમીટેડ આ હેતુસર પ્લગ એન્ડ પ્લે માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને ચાયનીઝ ઊદ્યોગકારોને ઊદ્યોગ શરૂ કરવા માટેની જરૂરી પરવાનગીઓ મેળવવામાં મદદરૂપ થશે.