આગામી સમયમાં યોજાનાર પરીક્ષાઓ મુદ્દે ગુજરાત એજ્યુકેશન બોર્ડ દ્વારા ધો.10 અને 12 બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ બદલ અત્યાર સુધી વિદ્યાર્થીને સજા ફટકારવામાં આવતી હતી. પરંતુ આવી ગેરરીતિ અટકાવવા હવે વિદ્યાર્થીની સાથે સાથે ખંડ નિરીક્ષક અને સ્થળ સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની સજાની જોગવાઈ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જેમાં ગુના બદલ સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષકને ફરજ મોકૂફ કરવાની સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ પ્રકારના ગુનામાં કોઈ ઝડપાશે તો તેનું નામ બોર્ડના સામાયિકમાં નામ પણ પ્રસિદ્ધ કરાશે તથા કાયમી ધોરણે પરીક્ષા કેન્દ્ર પણ બંધ કરાશે. પરીક્ષા કેન્દ્ર પર ફરજ બજાવતા પટાવાળા સામે પણ પોલીસ ફરિયાદ થઈ શકે છે. જેમાં પરીક્ષા દરમિયાન પાણી આપવા જતાં પટ્ટાવાળા મારફતે કાપલીની હેરાફેરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગેરરીતિ રોકવા માટે બોર્ડે સજાની જોગવાઈ કરી છે કે, જો પટાવાળો કાપલીની હેરાફેરી કરતા ઝડપાશે તો તેનું મહેનતાણું અટકાવી દેવામાં આવશે. આ ઉપરાંત કારકૂન, વહીવટી મદદનીશ, પરીક્ષક, સમીક્ષક વગેરે સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ કરાઈ છે. સ્ક્વોડ સભ્ય દ્વારા પોતાના સગા પરીક્ષામાં ઉપસ્થિત હોય અને બોર્ડની કામગીરી સ્વીકારી હોય અથવા સ્ક્વોડના રૃટની ગુપ્તતાનો ભંગ કરે, પરીક્ષા સ્થળે ભેટ સોગાદ સ્વીકારે અથવા સામૂહિક ચોરીની વિગતો છૂપાવે તો તેવા કિસ્સામા ત્રણ વર્ષ સુધી પરીક્ષા કામગીરીથી બાકાત રાખવામાં આવશે.