આવતીકાલે ૧૯મી જૂને યોજાનાર રાજ્યસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે એટલે કોંગ્રેસ સીધી હાર ભાળી ગઈ હોવાથી બેબુનિયાદ નિવેદનો કરી રહી છે એમ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોએ મતદાન કરવું એ તેમની નૈતિક ફરજ છે ત્યારે સૌ ધારાસભ્યો મુક્ત મને મતદાન કરે, તેમણે સહેજ પણ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ભારતીય જનતા પક્ષ પાસે પૂરતા મત છે અમારે કોંગ્રેસના એક પણ મતની જરૂર નથી એટલે જ અમારી જીત નિશ્ચિત છે.
કોંગ્રેસ પાસે ૬૫ મત છે એટલે દિલ્હીના એક નેતાના ઈશારે એકને જીતાડવો અને બીજાને હરાવવા અંગેની નીતિ અજમાવવામાં આવી રહી છે તે કોંગ્રેસની આંતર કલહની નીતિ સ્પષ્ટપણે દેખાઇ રહી છે. આમ હાર દેખીને કોંગ્રેસ પોતાના ધારાસભ્યો સાથે લઈને ફરી રહી છે એ જ દર્શાવે છે કે અમારી જીત નક્કી છે.