ભાજપના સાંસદ રામ મોકરિયાએ કહ્યું, હું પણ હનુમાનજીનો ભક્ત છું આવા ભીંતચિત્રો દૂર થવા જોઈએ

Webdunia
શનિવાર, 2 સપ્ટેમ્બર 2023 (15:31 IST)
BJP MP Ram Mokaria
હિન્દુ સમાજમાં ભાગલા પડે અને લોકો તેનો લાભ લે તેવું ક્યારેય ના કરવું જોઈએઃ રામભાઈ મોકરિયા
 
સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટની ઉંચી પ્રતિમા નીચે આવેલા ભીંતચિત્રમાં હનુમાનજીને નીલકંઠવર્ણીને પ્રણામ કરતા બતાવ્યાનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. આજે સાળંગપુરમાં એક વ્યક્તિએ આ વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યા બાદ કેટલાક ચિત્રોને ખંડિત કર્યા છે. જો કે પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી. બીજી તરફ ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ભીંતચિત્રો હટાવવાની માંગ કરી છે. 
 
આ ભીંત ચિત્રોથી લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે
રાજકોટના ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ વિવાદને લઈને જણાવ્યું હતું કે, મંદિરનો પુજારી હોય તો તેણે પુજારી તરીકે રહેવું જોઈએ. એ પોતાને ભગવાન માને એવું ના ચાલે. તેમણે કહ્યું હતું કે, હું પણ હનુમાનજીનો ભક્ત છું તેમનું સન્માન જળવાવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ આવા વિવાદથી દૂર રહેવું જોઈએ. આ ભીંત ચિત્રોથી લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે તો તેને દૂર કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, હિન્દુ સમાજમાં ભાગલા પડે અને લોકો તેનો લાભ લે તેવું ક્યારેય ના કરવું જોઈએ. 
 
આ કારણે થયો સમગ્ર વિવાદ
સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજી સહજાનંદ સ્વામીની સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં નજરે પડી રહ્યા છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નિલકંઠવર્ણી એક આસન પર બેઠેલા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે બે હાથ જોડીને નિલકંઠવર્ણીને નમસ્કાર કરતા હોય તેવું દર્શાવાયું છે. આ ચિત્રો પરથી જ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા હોવાનો દાવો કરી આક્રોશ વ્યક્ત કરાયો છે.

સંબંધિત સમાચાર

Next Article