ભાજપના ધારાસભ્યોને પક્ષ તરફથી 66 લાખના ખર્ચે મફત ટેબ્લેટ આપવામાં આવશે

Webdunia
બુધવાર, 16 જૂન 2021 (13:24 IST)
કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગુજરાત સહિત દેશભરમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. હવે બાળકોની સાથે ગુજરાત ભાજપના ધારાસભ્યોથી માંડીને નેતાઓનું પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થશે. એમાં રાષ્ટ્રીય સ્તરથી પ્રદેશ સ્તરની ચૂંટણીની તૈયારીઓ માટેના કાર્યક્રમોની બેઠકો વર્ચ્યુઅલ જ યોજાશે. આ માટે ભાજપના ધારાસભ્યોને પક્ષ તરફથી મફતમાં ટેબ્લેટ પણ આપવામાં આવશે. ગુજરાત સરકારની કામગીરીના પ્રચાર-પ્રસારની સાથે ભાજપ સંગઠનના કાર્યક્રમો માટેની બેઠકો કરવા માટે રૂ.66 લાખના ખર્ચે તમામ ધારાસભ્યને ટેબ્લેટ ફ્રીમાં આપવાની જાહેરાત ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કરી હતી.

કોરોનાને કારણે ગુજરાત સહિત દેશભરમાં ભાજપની ઇમેજને ઠેસ પહોંચ્યા બાદ હવે ડેમેજ કંટ્રોલની સાથે ઇમેજ સુધારવા માટે પક્ષના હાઈકમાન્ડે આપેલી સૂચના અનુસાર, ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક આ મહિનાના અંતમાં મળશે, જેમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાતની વિજય રૂપાણી સરકારની કોરોના કામગીરીને પ્રજા સુધી લઈ જઈ ફરી એકવાર પ્રજાનો વિશ્વાસ જીતવા માટેનું અભિયાન શરૂ કરાશે. ગુજરાતમાં ભાજપની પ્રદેશ કારોબારી આ માસના અંત પહેલાં મળશે. કોરોનાકાળની વિદાય સાથે સંગઠનને ફરી પાટા પર લાવવા ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાલ ગુજરાતમાં કેમ્પ કરીને બેઠા છે અને ભાજપની રાષ્ટ્રીય વ્યૂહ રચના મુજબ હવે દરેક રાજ્યમાં કારોબારીની બેઠક બોલાવાશે. સામાન્ય રીતે રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ પ્રદેશ કારોબારી, શહેર કારોબારી, જિલ્લા, તાલુકા સુધીના નીચેના સ્તર સુધીની બેઠકોનું આયોજન થતું હોય છે, પરંતુ પ્રથમ વખત ભાજપે નીચેથી ઉપરની પ્રક્રિયા ચાલુ કરી છે. રાષ્ટ્રીય કારોબારીના નિર્ણયો અને ઠરાવો પ્રદેશ કારોબારી અને ત્યાર બાદ જિલ્લા અને શહેરની કારોબારીમાં પસાર કરાતા હોય છે, પરંતુ હવે 21થી 30 જૂન વચ્ચે તમામ પ્રદેશોને તેમની કારોબારી બોલાવવા અને 15 જુલાઇ સુધીમાં શહેર અને જિલ્લા સુધીની કારોબારી બોલાવી લેવા નિર્ણય લેવાયો છે. આમાં મોટા ભાગની બેઠકો વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન જ યોજાશે.

સંબંધિત સમાચાર

Next Article