- બનાસકાંઠા એસપીએ મીડિયાને કહ્યું હતું કે, પોલીસ કોઈ ધર્મ કે જાતિ અથવા તો પક્ષ જોઇને કામગીરી નથી કરતી
- કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને ટ્વિટ કરીને કહ્યું હતું કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કૉંગ્રેસના કાર્યકરોને દબાવવા સત્તાનો દુરૂપયોગ કરે છે
Banaskantha News બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની એક ટ્વિટને લઈને મામલો વધુ ગરમ થયો છે. બનાસકાંઠા એસપી કોંગ્રેસના કાર્યકરોને રાજકીય ઈશારે દબાવતા હોવાનું ગેનીબેને ટ્વીટ કર્યા બાદ આજે કોંગ્રેસના બે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો સાથે ગેનીબેને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. તેમણે આગામી દીવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. એસપીએ મીડિયાને કહ્યું હતું કે, પોલીસ કોઈ ધર્મ કે જાતિ અથવા તો પક્ષ જોઇને કામગીરી નથી કરતી.
ગેનીબહેને ટ્વીટ કરતાં મામલો વધુ ચગ્યો
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને ટ્વિટ કરીને કહ્યું હતું કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કૉંગ્રેસના કાર્યકરો અને સામાન્ય પ્રજાને દબાવવા સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. તેમની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય થઈ ગયો છે. ગઈકાલે ગેનીબેન ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને ગુલાબસિંહ રાજપૂત સહિત કૉંગ્રેસના નેતાઓ કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.
રણનીતિ ઘડીને જેલભરો આંદોલનની શરૂઆત કરાશે
બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં 18 મેં 2023ના રોજ પોલીસ દ્વારા દારૂનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં વાવ તાલુકા કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા કિસાન કૉંગ્રેસના પ્રમુખ ઠાકરસી રબારીનું નામ પણ ખૂલ્યું હતું. કૉંગ્રેસનો આક્ષેપ છે કે, રાજકીય દબાણથી અને ડીવાયએસપી વારોતરીયાની સૂચનાથી તેમની ખોટી સંડોવણી કરવામાં આવી છે. ગેનીબહેન ઠાકોરે મીડિયાને કહ્યું હતું કે, પોલીસની દબંગગીરીથી પ્રજાને હાશકારો મળે અને કૉંગ્રેસના આગેવાનો પર જે ખોટા કેસ થાય છે તેને કઈ રીતે રોકવા એના ભાગરૂપે અમે કલેકટરને રજૂઆત કરી છે. અમે ડીજીપી, કલેકટર, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે પણ કોઈ પગલાં લેવાતા નથી. અમે આગામી સમયમાં રણનીતિ ઘડીને જેલભરો આંદોલનની શરૂઆત કરીશું.
પોલીસ તટસ્થતા અને નિષ્પક્ષતાથી કામ કરે છે
બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ મીડિયાને કહ્યું હતું કે, ઠાકરશીભાઈ રબારીની સામે વર્ષ 2005થી 2023 દરમિયાન કુલ 5 FIR નોંધાયેલી છે. જે છેલ્લી FIR નોંધાયેલી હતી તેમાં પોલીસે જે રીતે અન્ય આરોપી સામે કાર્યવાહી કરે છે તે રીતે કાર્યવાહી કરી છે. તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરાયા હતા. આ સિવાય જે આરોપી સામે ક્વોલિટી પ્રોહિબિશનનો ગુનો હોય તેની સામે પાસા ભરવામાં આવે છે. આ કેસ પણ ક્વોલિટી પ્રોહિબિશનનો હોય પોલીસે કલેકટરને પાસા મોકલી આપી છે. પોલીસે કોઈ પાર્ટીના કાર્યકર હોવાથી હેરાન કરતી નથી માત્ર તટસ્થતા અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે.