જાણો કેમ ફરમાવાયો કચ્છના માનવ રહિત 21 ટાપુઓ પર પ્રતિબંધ

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (12:15 IST)
kutch island


- કચ્છ ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો 
- 21 ટાપુઓ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
- આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા પ્રતિબંધ ફરમાવ્યો
 
કચ્છના નિર્જન ટાપુઓ પર હાલ અવાર-નવાર કેફી દ્રવ્યોના પેકેટ મળી રહ્યા છે તેવામાં જિલ્લા કલેક્ટરે આવા 21 ટાપુઓ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાષ્ટ્રીય સલામતી તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા આ પગલુ લેવાયુ હોવાનું કહેવાયુ છે.

કચ્છ ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહીત કુલ-21 ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે.રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ અન્વયે કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-21 (એકવીસ) ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામા અન્વયે રાજ્ય/કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી કામે રોકાયેલ રાજ્ય/કેન્દ્ર સરકારના કર્મચારી/અધિકારીઓને મુકિત આપવામાં આવશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાંના ભંગ કરનારા ઈસમો વિરુદ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

Next Article