હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ, જાણો શરતો અને નિયમો

Webdunia
સોમવાર, 9 નવેમ્બર 2020 (12:26 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીનું ઇ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રિય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ સુરત-હજીરા ખાતે ઉપસ્થિત રહી રો-પેક્સ ફેરીનું ઇ-લોકાર્પણ કર્યું હતું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આજનો દિવસ ફક્ત ભાવનગર જિલ્લાના નાગરિકો માટે નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરતીજનોને દિવાળીની ભેટ છે.
 
રો-પેક્સ ફેરી સર્વિસ થકી રાજ્ય પરિવહન ક્ષેત્રે નવા આયામો પ્રસ્થાપિત થશે. આ સર્વિસ થકી રાજ્યમાં પરિવહન ક્ષેત્રનો સર્વાંગી, સમતોલ અને સંપૂર્ણ વિકાસ થશે. હજીરા ઘોઘા રો-પેકસ ફેરી સર્વિસ દ્વારા ભાવનગર થી સુરત હીરા, કાપડ જેવા વિવિધ ઉદ્યોગોમાં રોજગારી રળતા સૌરાષ્ટ્રજનો માટે આ સુવિધા પરિવહન સુખાકારીમાં વધારો કરશે.
 
 રો-પેકસ ફેરી સર્વિસના કારણે પરિવહનના અંતર ઘટવાથી સમયની સાથે ઇંધણની પણ બચત થશે, પર્યાવરણની શુદ્ધિ થશે. આ બચત ઉદ્યોગકારોને આર્થિક ઉપજના અન્ય ક્ષેત્રે સશક્ત બનાવશે. તેઓએ ઉમેર્યુ કે, રો-પેકસ ફેરી સર્વિસના કારણે સુરત અને ભાવનગરનાં લોકોમાં કારોબારની સુમેળભરી આપ-લે થશે જેના થકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નાગરિકોનું જીવનધોરણ ઉંચુ આવશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દેશની ધુરા સંભાળી ત્યારથી બહુઆયામી વિકાસ ચોપડીમાંથી વ્યવહારમાં આવ્યો છે. તેઓએ ઉમેર્યુ કે, ૨૫ વર્ષ પહેલા ઔદ્યોગિક વિકાસ અમદાવાદથી વાપી સુધી સીમિત હતો. પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઇ આજ દિન સુધી આ વિકાસ સમગ્ર રાજ્યમાં શક્ય બન્યો છે. 
 
રો-પેક્સ સેવા શરૂ થવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો ભૌગોલિક, સામાજિક અને વ્યાપારિક સંબંધ વધુ ગાઢ બનશે. આ સુવિધાથી સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓને જળમાર્ગે વતન સુધી જવા માટે ઓછો સમય લેતી અને સસ્તી આવાગમન સેવાનો નવો વિકલ્પ મળશે. 
 
ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૭૦ કિમી છે, જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર ૯૦ કિમી જેટલું થઈ જશે. સામાન્ય રીતે જમીન માર્ગે ૧૦-૧૨ કલાક લેતી હજીરા-ઘોઘા માર્ગ મુસાફરી રો-પેક્સથી ચાર કલાકમાં પૂરી કરી શકાશે. આ સુવિધા થકી રોડ પરનું ભારણ ઘટશે, ટ્રાફિક સમસ્યા હળવી બનશે, અકસ્માતોની સંખ્યા ઘટશે, મુસાફરી સસ્તી થશે અને ઇંધણની મોટી બચત થવાથી પર્યાવરણની જાળવણી થશે. 
 
માંડવીયાએ જણાવ્યું કે, નવા કૃષિ કાયદામાં ખેડૂતોને દેશનું મુક્ત બજાર મળે તેની જોગવાઈ કરાઈ છે, ત્યારે સુરતના બજારમાં સૌરાષ્ટ્રનો કોઈ પણ ખેડૂત પોતાના ખેત ઉત્પાદનો માલવાહક વાહનોમાં ભરી રો-પેક્સ દ્વારા ઓછા સમયમાં પહોંચી શકશે અને સુરતની એ.પી.એમ.સી. અથવા મુક્ત બજારમાં વેચી શકશે. સુરતમાં વસતા ૨૦ લાખ સૌરાષ્ટ્રવાસીઓને વાર-તહેવારે, શુભ પ્રસંગો અને ખેતીવાડીના કામસર વર્ષ દરમિયાન અવારનવાર વતન જવાનું થતું હોય છે, જેઓને દિવાળીની ભેટ સમાન આ આવાગમન સુવિધાથી ખુબ ફાયદો થશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે રો-પેક્સ ફેરી સર્વિસની મજા માણતી વખતે કેટલા નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે. જો આ નિયમોનું પાલન કરવામાં નહી આવે તો દંડની જોગવાઇ છે. આવો જાણો જાણીએ નિયમો અને શરતો... 
 
ફેરી ઉપડવાના સમય કરતા બુકિંગ એક કલાક પહેલાં બંધ થઈ જશે. ફેરી ઉપડવાના સમયથી 30 મિનિટ વહેલું થઈ જશે. કોઈ પણ ટિકિટ ઓટોમેટિક રદ નહીં ગણાય અને રિફંડ નહીં મળે. 2 થી 12 વર્ષના બાળકો માટે અડધી ટિકીટ રાખવામાં આવી છે. તમામ મુસાફરોએ ફોટો આઈડી સાથે રાખવું પડશે. ફેરી કે ટર્મિનલ પ્રિમાઈસીસમાં ધુમ્રપાન, તમાકુનું સેવન ગેરકાયદે ગણાશે અને તેનો ભંગ કરનારા પાસેથી રૂ. 2500 દંડ વસૂલાશે.  તમામ મુસાફરોએ આખા પ્રવાસમાં ટિકિટ કાઉન્ટર પરથી અપાયેલો રિસ્ટ બેન્ડ પહેરવો પડશે. એવું ન કરવા બદલ રૂ. 500 દંડ કરાશે.  
 
જો મુસાફરીના 30 દિવસ પહેલા કેન્સલ કરાવે છે તો તેને  90% રિફંડ મળશે. 2 થી 30 દિવસની અંદર કેન્સલ કરવામાં આવતાં  80% રિફંડ મળશે. એક દિવસ પહેલાં કેન્સલ કરાવશો તો રિફંડ નહી મળે તથા રિફંડની પ્રોસેસ થતાં ત્રણ દિવસ જેટલો સમય લાગશે. મોડા પહોંચનારને કોઈ રિફંડ મળશે નહીં. ફેરી સર્વિસ કેન્સલ થશે, તો મુસાફરોને ઓપરેટર દ્વારા રિફંડ મળી જશે.

સંબંધિત સમાચાર

Next Article