મોરબીના ઝીંઝુડા ગામમાં ATSનું ઓપરેશન, કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Webdunia
સોમવાર, 15 નવેમ્બર 2021 (10:50 IST)
એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધા હોવાના પ્રાથમિક અહેવાલ મળે છે.જો કે, આ ઘટના અંગે એટીએસના ડીવાયએસપીએ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક પોલીસને વધુ એક સફળતા મળી છે. એટીએસ અને મોરબી પોલીસે ઝીંઝુડા ગામમાં મોડીરાત્રે દરોડો પાડીને બે શખ્સને કરોડો રૂપિયાના માદક પદાર્થના જથ્થા સાથે ઝડપી લીધા છે. આ બન્ને શખ્સો કોણ છે, કેટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે. તે બાબતે એટીએસ અને સ્થાનિક પોલીસના ટોચના અધિકારીઓએ મૌન સેવી લીધું હતું.સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી વાયા પાકિસ્તાન થઈને માદક પદાર્થ ભારતના અનેક રાજ્યમાં સપ્લાય થતું હોવાનું સ્પષ્ટ થયા બાદ સ્થાનિક પોલીસ અને એટીએસએ બાતમીદારોનું નેટવર્ક વધારી દેતાં ટૂંકા દિવસોમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. જેમાં આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોના શખ્સોની સંડોવણી ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક નાપાક તત્વોના નામ પણ બહાર આવ્યા હતા. દરમિયાન સ્થાનિક પોલીસ અને એટીએસને વધુ એક સચોટ માહિતી મળી હતી કે, મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે. આ અંગે ખરાઈ કર્યા બાદ એટીએસના ડીવાયએસપી કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. તેમાં કેટલાક ઘરોની તલાશી લેવામાં આવતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. જો કે, એટીએસના અધિકારીઓએ હાલ રાત્રિના એક વાગ્યે કામગીરી ચાલાુ હોવાનું અને કુલ કેટલો મુદામાલ પકડાયો છે તે કહેવા અંગે મૌન સેવી લીધું હતું. પરંતુ દેવભૂમિક દ્વારકા પંથકમાંથી જેટલો જથ્થો ઝડપાયો તેનાથી વધુ મુદામાલ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article