મહેસાણામાં લગ્ન પ્રસંગમાં બબાલ, નાચવા આવેલા યુવકોને રોકતાં ખુરશીઓ ઉછળી

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (14:37 IST)
સામ સામે ફરિયાદ થતાં પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સમૂહ લગ્નમાં આવેલા મહેમાનોની ગાડીઓના કાચ પણ તોડી નાંખ્યા
 
મહેસાણામાં બે પક્ષો વચ્ચે બબાલ થતા લગ્ન સ્થળ પર આવેલા મહેમાનો ડઘાઈ ગયાં હતાં. બે પક્ષો વચ્ચે ખુરશીઓ ઉછળતાં જ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સમૂહ લગ્નમાં અચાનક બે પક્ષો વચ્ચે બબાલ થતાં નાસભાગ મચી જવા પામી હતી. આ મામલે બંને પક્ષોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. 
 
ખુરશીઓ ઉછાડીને મારામારી કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાની ઈન્દિરાનગર વસાહત પાસે રોહિત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયુ હતું. બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ કેટલાક લોકોએ એકબીજા પર ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું હતું. સમૂહ લગ્નપ્રસંગમાં અચાનક જ ખુરશીઓ ઉછળવા લાગતા લોકોમાં દોડધામ મચી હતી.ફરિયાદી યુવકના જણાવ્યા પ્રમાણે આજે રોહિત સમાજના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં ચિત્રોડીપુરા વસાહત પાસે રહેતા લોકો સમૂહ લગ્નમાં નાચવા આવ્યા હતા. તેમને રોકવામાં આવતા કેટલાક યુવકોએ સમૂહલગ્નમાં પડેલી ખુરશીઓ ઉછાડીને મારામારી કરી હતી.
 
મહેમાનોની ગાડીઓના કાચ પણ તોડી નાંખ્યા
જ્યારે સામા પક્ષે એક યુવકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કુકસ રોડ પર યોજાયેલા સમૂહ લગ્નમાં તે પાણીની બોટલો વેચવા માટે ગયો હતો. આ સમયે રોહિત સમાજના આયોજકોની મંજૂરી બાદ પાણી વેચવાની શરૂઆત કરી હતી. આ સમયે જૈમીન ચૌહાણ નામના યુવકે આવીને ગાળાગાળી કરી હતી અને નજીકમાં પડેલી ખુરશી લઈ મારવા લાગ્યો હતો. સમગ્ર મારામારીની ઘટનામાં સમૂહ લગ્નમાં આવેલા મહેમાનોની ગાડીઓના કાચ પણ તોડી નાંખ્યા હતાં. આ મામલે બંને પક્ષે સામાસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Next Article